ગાંધીનગર, ગુજરાત વિધાનસભાનું સોમવારથી શરૂ થઈ રહેલ સત્ર નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની નવી સવી સરકારમાં એક પડકાર રૂપ બની રહેશે. જેને લઈને આવતીકાલે રવિવારે ભાજપના તમામ ધારાસભ્યોની એક મહત્વની બેઠક વિધાનસભા ખાતે મળવામાં આવશે. એટલું જ નહીં, ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા સવા મંત્રીઓને શીખવાડવા માટે તાલીમ વર્ગો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના વિદાયમાન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારે સત્તા સંભાળી લીધી છે, ત્યારે હવે આગામી તા. ૨૭ અને ૨૮ સપ્ટેમ્બર એમ બે દિવસ વિધાન સભાનું ચોમાસુ સત્ર યોજાવાનું છે. વિધાનસભા સત્રની તૈયારીના ભાગરૂપે ગાંધીનગરમાં વિધાનસભા ખાતે રવિવારે ભાજપના ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યોને ફરજિયાત હાજર રહેવા માટેની સૂચના આપી દેવાઇ છે. તો બીજી બાજુ વિધાનસભામાં સરકારને ઘેરવા માટે તાજેતરમાં જ કોંગ્રેસનાં ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચાઓ કરાઈ હતી.વિજય રૂપાણી સરકારના વિદાય બાદ ગુજરાતમાં નવી બનેલી ભૂપેન્દ્ર પટેલ સરકારનો પહેલો પડકાર આગામી સોમવારથી બે દિવસીય વિધાનસભાનું ચોમાસુ સત્ર મળનાર છે, ત્યારે નવી સવી ભૂપેન્દ્ર સરકારના પ્રથમ વખત જ બનેલા નવા મંત્રીઓને વહીવટનું જ્ઞાન અને વિપક્ષના આક્રમણ સામે લડી લેવાની કુનેહ શિખવાડવા માટે ગત સોમવારથી દરરોજ એક કલાક નવા નિશાળિયાઓની જેમ મંત્રીઓ માટે ખાસ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં જે-તે મંત્રીઓને તેમના વિભાગની કામગીરીથી માંડીને યોજનાઓ, નીતિઓ અને ર્નિણયો અંગેની જાણકારી આપવામાં આવી રહી છે. ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત ૨૨ મંત્રીઓ એવા છે, જેઓ પ્રથમ વખત મંત્રી બન્યા છે. એટલું જ નહીં, આ મંત્રીઓને કેબિનેટના મંત્રીપદ તરીકે શપથ લેવડાવવામાં આવ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફરી સત્તા ઉપર લાવવાની બાબતને ધ્યાનમાં રાખીને આગામી એક વર્ષ દરમિયાન આ તમામ મંત્રીઓએ પર્ફોર્મન્સ દેખાડવું પડશે. ભૂપેન્દ્ર પટેલની સરકારને લોકોને ગરીબોની બેલી સરકાર હોવાનો અનુભવ કરાવવો પડશે. આ ઉપરાંત પ્રજાનાં કામોને ઝડપથી ઉકેલવાં પડશે, પોતાના વિભાગનું સો ટકા પર્ફોર્મન્સ આપવું પડશે એવા દિશા નિર્દેશ દિલ્હી સ્થિત મોવડીમંડળ દ્વારા આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.