ગાંધીનગર-

વિધાનસભાની આગામી પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પ્રચારમાં વિવિધતા લાવવા પ્રયાસ કર્યો છે. ભાજપે મતદારોના સામાજિક વર્ગ પ્રમાણે પત્રિકા છપાવી સમાજના દરેક વર્ગના લોકો સુધી પહોંચવા પ્રયાસ કર્યો છે. સાથે જ પાર્ટીનો વિચાર તેમજ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની પ્રજાલક્ષી કામગીરીની માહિતી લોકો સુધી સરળતાથી પહોંચી શકે એ રીતે પ્રચાર સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીની માહિતી આપતી પોકેટ બુક, પત્રિકાઓ, ટોપી, ઝંડા, સ્ટીકર વગેરેનું લોકોમાં વિતરણ કરી જન-જન સુધી ભાજપની વિચારધારા અને સરકારના પ્રજાલક્ષી કાર્યોની માહિતી પહોંચાડવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, દર વખતની ચૂંટણીની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમજ સીએમ વિજય રૂપાણીના ફોટા સાથેના ફેસમાસ્ક અને કટઆઉટ બનાવવામાં આવ્યા છે. હાલના કોરોનાના સમયને ધ્યાનમાં રાખીને આ વખતે મોટી સંખ્યામાં માસ્ક પણ બનાવવામાં આવ્યા છે. જેનું દરેક સભાઓમાં, બેઠકમાં તેમજ ઘર-ઘર સંપર્ક અભિયાનમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભાજપના પ્રદેશ અગ્રણી મહેશ કસવાલા અને પ્રદેશ મીડિયા કન્વીનર પ્રશાંત વાળાએ પેટા ચૂંટણીમાં ભાજપના પ્રચાર-પ્રસારના સાહિત્ય અંગેની માહિતી આપતાં જણાવ્યું કે, ભાજપા દ્વારા દરેક ચૂંટણીમાં પ્રચાર સાહિત્યનું વિવિધતા સભર નિર્માણ કરવામાં આવે છે. આ વખતની પેટા ચૂંટણીમાં પણ ભાજપ વિવિધ પ્રકારની 36 જેટલી પત્રિકાઓ પ્રચાર માટે છપાવવામાં આવી છે.