વડોદરા : વડોદરા કોર્પોરેશન દ્વારા કારેલીબાગ વિસતારમાં રૂા.૧૩ કરોડના ખર્ચે બનાવાયેલા સ્વિમિંગ પુલમાં લાખોનો ખર્ચ કરીને જિમ બનાવ્યું છે. પરંતુ ૨૦૧૬થી આ સ્વિમિંગ પુલ શરૂ થયું ત્યારથી બંધ પડેલું છે અને સાધનો પણ કાટ ખાઈ ગયા છે. ત્યારે જિમ્નેશિયમ સંદર્ભે વિપક્ષી નેતાએ તંત્રની બેદરકારી દર્શાવી શાસક પક્ષ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે લોકો માટે સ્વિમિંગ પુલ અને તેમાં બનાવાયેલ જિમ ત્વરિત શરૂ કરવાની માગ કરી હતી.

કોરોનાકાળથી બંધ પડેલા કારેલીબાગ સ્વિમિંગ પુલમા ગંદકીની બૂમો ઊઠતાં સફાળા જાગેલા સત્તાધીશોએ સફાઈ અને મેન્ટેનન્સની કામગીરી શરૂ કરી હતી. તો બીજી તરફ આ સ્થળે કાર્યરત કરાયેલા જિમ્નેશિયમનું છેલ્લા પાંચ વરસથી બંધ હાલતમાં રહેતાં તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. નગરજનોના ટેક્સના નાણાનો ૧૩ કરોડનો વેડફાટ થયો હોવાના આક્ષેપ વિપક્ષી નેતાએ કર્યા છે.

વિપક્ષી નેતા અમી રાવતે જણાવ્યું હતું કે ૨૦૧૬માં નિર્માણ થયેલા જિમ્નેશિયમને હજુ સુધી નગરજનોના ઉપયોગ માટે ખૂલ્લું મુકાયું નથી. જિમ્નેશિયમના સાધનોનો વોરંટી પિરીયડ પણ પૂરો થઈ ગયો છે. હવે સાધનો મેન્ટેનન્સ માગી રહ્યા છે. ત્યારે હવે આ જિમ્નેશિયમ લોકોના ઉપયોગ માટે કેમ ખુલ્લું ના મૂક્યું તે દિશામાં તપાસ થવી જાેઈએ. તો બીજી તરફ આ જ સ્થળે યોગા માટે પણ સેન્ટર બનાવવામાં આવ્યું છે, તે પણ બંધ હાલતમાં પડી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતુંુ કે, કોર્પોરેશનના કુલ ૪ સ્વિમિંગ પુલમાંથી હાલ માત્ર એક જ ચાલુ છે. ત્યારે તુરંત આ સ્વિમિંગ પુલ લોકો માટે શરૂ કરવામાં આવે તેવી માગ કરી હતી.