વિરસદ : બોરસદ તાલુકાના રાસ ગામેથી કંકાપુરા જતાં દાંડીપથ પર વરસાદી પાણીનાં નિકાલની સમસ્યા સર્જાયેલી છે. તંત્ર દ્વારા જાહેરહિત માટે યોગ્ય અસરકારક કામગીરી કરવાને બદલે માત્ર ઔપચારિકતા નિભાવવા માટે રસ્તો બંધ કરવાનું બોર્ડ ટીંગાડી દેવાયું છે, પરંતુ આ દાંડીપથનો રોજિંદો ઉપયોગ કરતી દરેક વ્યક્તિઓ, નોકરીયાતો અને ખેડૂતો માટે ભારે હાડમારી ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આણંદ જિલ્લામાં છેલ્લાં દસેક દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે, જેનાં કારણે હવે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ભારે હાલાકી વેઠવી પડે તેવી સ્થિતિ ઉદભવેલ છે. બોરસદ તાલુકાના ઐતિહાસિક ગામ રાસથી પસાર થતાં દાંડીપથ પર હાલ વરસાદી પાણી મોટી માત્રામાં ભરાયેલાં છે. રાસ ગામના દાંડીપથ પર નીચાણવાળા ભાગમાં અંદાજિત લગભગ ત્રણ ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં છે, જેથી આ માર્ગ પરથી પસાર થવું ઘણું જાેખમી બનતાં વાહનચાલકો સહિત રોજિંદી અવર જવર‌ કરતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  

‌દાંડીપથ સંબંધિત તંત્ર દ્વારા ડૂબાણમાં ગયેલાં રસ્તાની‌ શરૂઆતમાં ઘણી ઊંચાઈ પર ચેતવણી દર્શાવતું બોર્ડ ટીંગાડી દેવાયું છે. બોર્ડમાં કંઈક એવું જણાવવામાં આવ્યું છે કે, ત્રણ ફૂટ પાણી હોવાથી રસ્તો બંધ કરેલો છે. અલબત્ત, રસ્તો બંધ કરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેથી ઘણી ઊંચાઈ પર ટીંગાડી દેવાયેલાં બોર્ડ નજરે ન ચઢતાં અજાણી વ્યક્તિ ભૂલમાં દાંડીપથ પર પસાર થતાં જીવનું જાેેખમ ઊભું થવાની શક્યતા પણ ‌‌‌‌‌‌રહેલી છે. સ્થાનિક લોકોની માગણી છે કે, દાંડીપથ સંબંધિત વિભાગ દ્વારા વહેલી તકે દાંડી પથ પર ભરાયેલાં પાણી તેમજ વાહન વ્યવહાર બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે.