સુરત

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને લઈને સુરતમાં ગુજરાત બહારથી આવતા તમામ વ્યક્તિઓએ 7 દિવસ ફરજીયાત હોમ કોરોન્ટાઈન રહેવા માટેનું મનપાએ જાહેરનામું બહાર પાડી દીધું છે. આ નિયમનું પાલન ન કરનારા સામે એપેડેમિક એક્ટ હેઠળ પગલાં પણ ભરવામાં આવશે તેવો ઉલ્લેખ જાહેરનામાંમાં કરવામાં આવ્યો છે.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ કોરોનાના કેસોમાં વધારો થતો જોવામળી રહ્યો છે. ત્યારે ફરી એક વખત સુરતમાં મનપા તંત્ર દોડતું થયું છે. સુરતમાં ખાસ કરીને ટેસ્ટીંગની પ્રક્રિયા સધન કરવામાં આવી છે. તો બીજી તરફ વેક્સીનેશન પણ વધારી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સંક્મ્રણ વધે નહી તે માટે જ્યાં કોરોનાના કેસો વધુ આવતા હોય ત્યાં બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. તેમજ સુરતના તમામ બાગ બગીચાઓ અને નેચર પાર્ક પણ અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

વધુમાં શાળા-કોલેજ અને ટ્યુશન કલાસીસ ઓનલાઈન જ શરુ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત સુરતમાં નોંધાઈ રહેલા પોઝીટીવ કેસોમાં મોટાભાગના લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઈને મનપા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાં મુજબ સુરતમાં ગુજરાત બહારથી આવતા લોકોએ ફરજીયાત 7 દિવસ ફરજીયાત હોમ કોરોન્ટાઈન રહેવા જણાવ્યું છે. તેમજ ઘરમાં પણ અન્ય વ્યક્તિને સંક્મ્રણ ન થાય તે માટે અલગથી હોમ આઈસોલેશનમાં રહેવું અને જો લક્ષણો જણાય તો તાત્કાલિક કોરોનાનો ટેસ્ટ કરવા જણાવ્યું છે. તેમજ જાહેરનામાં ભંગ બદલ એપેડેમિક એક્ટ હેઠળ પગલાં પણ ભરવામાં આવશે.