વડોદરા : બગલામુખીના બની બેઠેલા ગુરૂજી પ્રશાંત ઉપાધ્યાયની અંગત સેવીકામાં ગણાતી દિશા સચદેવને ગોત્રી પોલીસ સ્ટેશનમાં પિડીતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે ગતરાત્રે જ તેના ઘરેથી જ ઝડપી પાડવામાં આવી હતી. જ્યારબાદ કોર્ટ સમક્ષ રજુ કરતા અગાઉ આજે તેને કોરોના ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પોલીસે પાખંડી પ્રશાંતનો જેલમાંથી કબજો મેળવવા માટેની તજવીજ પણ હાથ ધરી છે. પાખંડી પ્રશાંતનો ડાબો હાથ ગણાતી દિશા ઉર્ફે જોન અંદાજીત વર્ષ ૨૦૦૮થી પાખંડી સાથે જોડાઇ હતી. જોન અને એની માતા મુંબઈથી ઘર છોડીને પ્રશાંતના આશ્રમમાં રહેવા આવ્યા હતા. જ્યાં એની માતાને પ્રશાંત વારસિયા ખાતે રાખતો અને દિશા ઉર્ફે જોનને પોતાની અંગત સેવા માટે શરૂઆતમાં એના યોગક્ષેમ વાળા ઘરે અને ત્યાર પછી ગોત્રી સ્થિત ફાર્મહાઉસમાં સાથે રાખતો હોવાનુ જાણવા મળી રહ્યું છે. પ્રશાંતની અંગત સેવિકા જોન તેના પાપલીલાની રાઝદાર હોવાનુ ચર્ચાઇ રહ્યું છે. જેમાં પ્રશાંતની તમામ અંતગ ચીજવસ્તુઓની દેખભાળની જવાબદારી જોન પાસે હતી. શરૂઆતના સમયમાં પ્રશાંતના રૂમમાં પ્રવેશવાની પરવાનગી ફક્ત દિશા પાસે હતી. પ્રશાંતની રૂમમાં કોણ આવશે એ બોલાવવાની અને મેસેજ આપવાની જવાબદારી પણ ફક્ત દિશા ઉર્ફે જોન પાસે જ હતી. પ્રશાંતે જોનને પોતાના કેમેરામાં શૂટિંગ કરવાની, વીડિઓ એડિટિંગ કરવાની ટ્રેનિંગ આપી હતી. પોતાના લેપટોપ, પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક બધું જ દિશા ઉર્ફે જોહનની કસ્ટડીમાં હતું. પાખંડીના દરેક પ્રસંગોમાં વીડિઓ ગ્રાફી, મ્યુઝિક પ્લે કરવાનું કામ, એનું એડિટિંગ કરવાનું કામ તથા પાખંડી જે સ્ત્રીઓને હવસનો શિકાર બનાવતો અને વીડિઓ ઉતારી લેપટોપ કે પેન ડ્રાઈવમાં સ્ટોરેજ કરવાનું કામ દિશા ઉર્ફે જોન કરતી. નોંધનીય છે કે પિડીતાએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે, પ્રશાંતે તેની જાણ બહાર વીડિઓ ઉતારી સત્સંગનુ મેમરી કાર્ડ હોવાનુ કહીં પિડીતાના પિતાને આપ્યું હતુ. ફરિયાદના આધારે જ પોલીસે ગઈકાલે રાત્રે દિશા ઉર્ફે જોનની તેણીના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. જ્યારબાદ કોર્ટ સમક્ષ રજુ કરતા અગાઉ કોરોના ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. આ ઉપરાંત કેસની વધુ તપાસ માટે પાખંડી પ્રશાંતનો જેલમાંથી કબજો મેળવવા માટે પોલીસે કોર્ટને પત્ર પણ લખ્યો હોવાનું જાણવા મળ્યું છે.