અરવલ્લી,શામળાજી : અરવલ્લી જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદથી હાઈવે રોડ તથા ગામડાંના રસ્તા તુટી ગયા છે. ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના રસ્તાઓનું કોઇ નામો નિશાન રહ્યું નથી. શામળાજી નજીક આવેલ સોનાસણ પ્રાથમિક શાળા પાસે ત્રણ વર્ષ પહેલા પાઇપો નાંખી આરસીસી ડીપ બનાવાયો હતો. આ ડીપ રસ્તા ઉપરથી સોનાસણ,જાબુડી પહાડીયા સહિત કુલ પાંચ ગામની જનતાને અવર-જવર માટે મુખ્ય માર્ગ છે. સરકાર દ્વારા ત્રણ વર્ષ પહેલા લાખો રૂપિયા ખર્ચીને નવો ડીપ બનાવ્યો હતો. આ ડીપ વરસાદમાં સંપૂર્ણ રીતે તુટી જતાં પાંચ ગામની જનતા પરેશાન થઈ ગઈ છે. સોનાસણ ગામના અગ્રણી નારાયણભાઇ,બિપીનભાઈ પાંડોર તથા ગ્રામજનો દ્વારા અઠવાડિયાથી આ ડીપ તુટી ગયો હોવાની રજૂઆતો કરી ગામમાં જવાનો રસ્તો બનાવી આપે અને આ ડીપ બનાવેલ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર ત્રણ વર્ષમાં જ આરસીસી ડીપ તુટી ગયો છે.કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોય તેથી ડીપ ત્રણ વર્ષમાં તુટી ગયો છે તેવો આક્ષેપ કર્યો છે.