ગાંધીનગર, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ કોરોનાની મહામારીએ ફરી ભરડો લીધો છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના પોઝિટીવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં કોરોનાના નવા સ્ટ્રેનનો ભય પણ લોકોમાં જાેવા મળી રહ્યો છે. ત્યારે હવે ગંભીર સમાચાર મળી રહ્યા છે કે, રાજ્યમાં સુરત પછી ગાંધીનગરમાં આફ્રિકાના સ્ટ્રેનનો પગપેસારો થયો છે. જેમાં ગાંધીનગર જિલ્લાના કલોલના એક યુવકમાં કોરોનાના આફ્રિકાના સ્ટ્રેનના લક્ષણો જાેવા મળ્યા છે. જાે કે, તંત્ર દ્વારા હાલમાં સત્તાવાર રીતે કોઈ પુષ્ટી કરવામાં આવી નથી.

આફ્રિકામાં હાહાકાર મચાવનાર કોરોનાના એલ-વન અને એલ-ટુ ટાઈપ સ્ટ્રેનનાં શંકાસ્પદ લક્ષણો ધરાવતો દર્દી મળી આવતાં ગાંધીનગરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મૂળ કલોલનો રહેવાસી એવો યુવાન તાજેતરમાં થોડા દિવસો અગાઉ જ સાઉથ આફ્રિકાથી ગાંધીનગર આવ્યો હતો. આ યુવાનને કોરોનાનાં લક્ષણો જણાતાં ત્રણ દિવસ અગાઉ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેને વિદેશી સ્ટ્રેનનાં લક્ષણો જણાતા તેના નમૂનાઓ લઈને પૂણેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે. ગત તા. બીજી માર્ચના રોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બોરી‌સણા ખાતે રહેતો ૩૧ વર્ષીય યુવાન સાઉથ આફ્રિકાથી આવ્યો હતો. આ યુવાનને કોરોનાનાં લક્ષણો જણાતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના ટેસ્ટ કરાયા હતા. આ ટેસ્ટમાં કોરોનાના વિદેશી સ્ટ્રેનનાં શંકાસ્પદ લક્ષણો મળી આવ્યાં છે. સાઉથ આફ્રિકામાં હાહાકાર મચાવી દેનારા કોરોનાના આ નવા સ્ટ્રેન ગાંધીનગરના યુવાનમાં મળી આવતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ નિયતિબેન લાખાણીએ જણાવ્યું હતું કે સરકારની માર્ગદર્શિકા મુજબ આ યુવાન આફ્રિકાથી આવ્યો હોવાથી તેનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી તેના નમૂના લઈને આજે કુરિયર દ્વારા પૂણેની લેબોરેટરીમાં મોકલી આપ્યાં છે. પૂણેથી તેનો રિપોર્ટ આવ્યા બાદ જ વધુ સાચી હકીકત જાણવા મળી શકશે. હાલમાં આ યુવકના પરિવારની હિસ્ટરી જાણીને તેના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિને આઈસોલેટ કરાયા છે.