શહેરા : શહેરામાં ગ્રામપંચાયત વખતથી જ લોકો દ્વારા ગેરકાયદે પાકા કાચા દબાણો સ્થાપિત કરવામાં આવ્યા હતા જેના પર પાલિકા અસ્તિત્વમાં આવતા ગેરકાયદે નિર્માણો તોડી પડાયા હતા અથવા ખસેડવામાં આવ્યા.પરંતુ ટૂક જ સમયાંતરે એજ પરિસ્થિતિનું નિર્માણ થઈ જતું જાેકે પાલિકા પણ આ રીતે વખતોવખત કામગીરી કરી કોઈ મોટું ભગીરથ કાર્ય પાર પાડ્યું હોય એ પ્રકારનો સંતોષ વ્યક્ત કરતું રહ્યું છે .તો કેટલીક જગ્યાએ ચૂંટાયેલા પાલિકાના સભ્યો દ્વારા પોતાની વોટબેંક સાચવવા માટે વ્હાલા દવલાની ની નીતિ અખત્યાર કરવામાં આવે છે. 

મંગળવારે ફરી એક વખત નગરપાલિકા પ્રશાસન દ્વારા ગેરકાયદેસર પાકા કાચા દબાણો હટાવા માટે ડિમોલિસન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાના નાટકનો વધુ એક એપિસોડ પ્રશાસન દ્વારા ભજવવામાં આવ્યો જેમાં શહેરા હાઇવે સ્થિત પોલીસ ચોકીથી ગામમાં પ્રવેશવાના માર્ગ પરથી કામગીરી શહેરા પી.આઈ એમ.આર.નકુમ અને પો.સ.ઈ. લવલી પટેલ તેમજ પોલીસ કાફલાને સાથે રાખી નગરપાલિકાના જવાબદાર અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે શરૂ કરવામાં આવી હતી જેમાં કેટલીક જગ્યાએ પાલિકા દ્વારા ખાનગી માલિકીની હદમાં આવેલા દબાણો તોડી પાડવામાં આવતા ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. કેટલાક વેપારીઓએ સ્વેચ્છાએ પોતાના છજા તેમજ પતારાઓ કાઢી લીધા હતાં. ૩૦૦ જેટલા વેપારી ઓને એક માસ પહેલા નોટીસ આપવામાં આવી હતી તેમાંથી ૧૨૮ જેટલા દબાણો દૂર કર્યા તેમ શોપ ઇસ્પેક્ટર જીતેન્દ્ર જાેષી નું કહેવું છે.