અમદાવાદ-

રાજ્યમાં કોરોનાથી અસર ધીમી પડી છે. પરંતુ હજુ સાવચેતીના પગલાં લેવાની પૂરેપૂરી જરૂરીયાત છે. ત્યારે તકેદારીના ભાગરૂપે ગુજરાત હાઇકોર્ટ 16 ઓક્ટોબરથી ચાર દિવસ બંધ રહેશે આ દરમિયાન તમામ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને ઉચ્ચ ન્યાયાલયનું કેમ્પસ સેનેટાઈઝ કરવામાં આવશે. તેવો નિર્ણય ચીફ જસ્ટિસ વિક્રમનાથ દ્વારા લેવામાં આવ્યો છે.

ચીફ જસ્ટિસ દ્વારા જાહેર કરાયેલા સર્ક્યુલર મુજબ, 16 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી હાઇકોર્ટ બંધ રહેશે. આ દિવસોમાં હાઇકોર્ટના અધિકારીઓ, રજીસ્ટ્રી સ્ટાફ સહિતના કર્મચારીઓનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઉચ્ચ ન્યાયાલયના રેકોર્ડ રૂમ, વોશરૂમ, ચેમ્બર, ઓફિસ સહિત સંપૂર્ણ કેમ્પસની સાફ સફાઈ કરાશે. તમામ પ્રકારનું જ્યુડિશિયલ અને વહીવટી કામ ચાર દિવસ બંધ રહેશે. આ સિવાય એડવોકેટ જનરલ, સરકારી વકીલો વગેરેની ઓફિસ બંધ રાખવા આદેશ કરાયો છે. કોર્ટ પરિસરમાં આવેલી સરકારી ઓફિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફિસ વગેરે બંધ રહેશે. આ ઓફિસો પણ સેનેટાઇઝ કરાશે. 16 ઓક્ટોબરના કેસ લિસ્ટ 20 ઓક્ટોબરથી લેવામાં આવશે. 19, 20 અને 21 ઓક્ટોબરથી ફિક્સ મેટર 21 ઓક્ટોમ્બરે લેવાશે. ફિઝિકલ ફાઇલીગ 20 ઓક્ટોબરથી શરૂ થશે. જો કે આ દરમિયાન ઇ- ફાઇલીગ શરૂ રહેશે. તેમજ નવા કેસો 20 ઓક્ટોબરથી લેવાશે.