ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ રાજ્ય સરકાર ઉપર આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તેની પાછળ તેમને છાવરવાની ભાજપ સરકારની નીતિ જવાબદાર છે. આજે વિધાનસભામાં ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગની માંગણીઓ ઉપરની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ રાજ્ય સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મારા મત વિસ્તારમાં આવેલા ભાદર-૨ ડેમમાં થતી રેતીચોરીના કારણે કરોડોના ખર્ચે બનેલા ચેક ડેમોને નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભાદર નદીમાંથી થતી ખનીજ ચોરીના કારણે નદી ઉપર રૂપિયા ૨૨ કરોડના ખર્ચે બનેલા ચાર ચેક ડેમ તૂટી ગયા છે. જયારે આઠ ચેક ડેમોને નુકશાન થયું છે.  

લલિત વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાદર-૨ ડેમ અને તેની ઉપરના ૧૨ ચેકડેમોમાંથી રેતીચોરી કરનારા ખનિજચોરો મુદ્દે મેં આ વિભાગના મંત્રીને પુરાવા સાથે વર્ષ ૨૦૧૯માં પત્ર લખ્યા હતા. આમ છતાં તંત્ર દ્વારા આ મામલે ખનીજ ચોરો સામે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાતી નથી. કેગના રિપોર્ટમાં પણ આવી ખનિજચોરીના કારણે ચેકડેમને નુકસાન થતું હોવાનો ઉલ્લેખ કરાયેલો છે.

ધારાસભ્ય લલિત વસોયાએ ગૃહમાં એવો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો કે, આ ખનિજ માફિયાઓની ગાંધીનગર સુધીની સાંઠગાંઠ છે એટલું જ નહી દરરોજ બે કરોડ રૂપિયા જેટલી રકમ ગાંધીનગર સુધી પહોંચે છે. વસોયાએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તેની પાછળ રાજ્ય સરકારની આવા તત્વોને છાવરવાની નીતિ જવાબદાર રહી છે.

જાે કે ધારાસભ્ય લલિત વસોયાના આ નિવેદન સામે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને ધારાસભ્ય લલિત વસોયા પાસેથી પુરાવા રજૂ કરવાની માંગણી કરવામાં આવી હતી. જાે કે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના આ પોઇન્ટ ઓફ ઓર્ડર માન્ય રાખવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત ધારાસભ્ય લલિત વસોયાએ એવો પણ આક્ષેપ કરીને જણાવ્યું હતું કે, રાજ્યમાં ખનિજચોરો બેફામ બન્યા છે અને વિરોધ કરનારના ટાટિયા ભાંગી નાખવામાં આવે છે. ૨૦ દિવસ અગાઉ જ આવી ઘટના સામે આવી છે, તેવા સંજાેગોમાં રાજ્ય સરકાર દ્વારા આવા ખનિજ માફિયાઓ સામે પગલાં લેવામાં આવે તેવી માગણી પણ કરી હતી.