વડોદરા, તા.૪

વિદેશી દારૂના વેચાણની પ્રવૃત્તિ ઉપર પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે એના ભાવમાં ભારે ઉછાળો આવતાં ઈથનોલ મિશ્રિત કહેવાતા સિરપનું ધૂમ વેચાણ શરૂ થયું છે. જેના પગલે શહેરમાં ગમે ત્યારે લઠ્ઠાકાંડ સર્જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વેચાતા ઈથનોલ મિશ્રિત કફ સિરપના અનેક લોકો વ્યસની બન્યા હોવાથી પરિવારજનોની હાલત કફોડી થઈ છે.

ગત ડિસેમ્બર મહિનામાં પીસીબી શાખાએ શહેર નજીક સાંકરદા ખાતેથી હર્બલ પ્રોડક્ટની આડમાં આલ્કોહોલ મિક્સ જુદી જુદી બ્રાન્ડના નામે પ્રોડક્ટ બનાવી આયુર્વેદિક સિરપના નામે વેચાણનું મોટું નેટવર્ક ઝડપી પાડયું હતું. દરોડા બાદ થોડા સમય આ પ્રવૃત્તિ બંધ રહ્યા બાદ હવે પુનઃ શરૂ થઈ છે અને શહેરના નવાયાર્ડ, યાકુતપુરા, વાડી, એકતાનગર, હાથીખાના જેવા વિસ્તારોમાં મેડિકલ સ્ટોર ઉપર કહેવાતા કફ સિરપનું ધૂમ વેચાણ શરૂ થયું છે.

અગાઉ એફએસએલની તપાસમાં આ કહેવાતા કફ સિરપમાં નિયત માત્રા કરતાં વધારે આલ્કોહોલ, ઈથનોલનું પ્રમાણ મળી આવ્યું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે આવા કહેવાતા કફ સિરપમાં ઈથનોલ આલ્કોહોલ ઉપરાંત ઝેરી કેમિકલની હાજરી પણ મળી આવી હતી, જેનું યોગ્ય પ્રમાણ ન જળવાય કે આવા કફ સિરપ જૂના થઈ જાય તો ફરમેન્ટેશન એટલે કે આથો વધી જાય તો પીનારને ગંભીર અસર અને મોત પણ નીપજી શકે છે એમ તબીબોનું માનવું છે.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં મેડિકલ સ્ટોર અને જનરલ સ્ટોર ઉપર ખૂલ્લેઆમ વેચાતા કહેવાતા કફ સિરપના યુવાવર્ગ અને સગીરો પણ બંધાણી બની ચૂકયા છે. પરિણામે આવા કહેવાતા કફ સિરપનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. વિદેશી દારૂના વ્યસનીઓ પણ દારૂના ભાવ વધી જતાં હવે નશા માટે કફ સિરપનો આશરો લેતા હોવાનું બહાર આવ્યું છે. મેડિકલ સ્ટોર કે પ્રોવિઝન સ્ટોરના સંચાલકો આવા કફ સિરપ વેચતા પકડાય નહીં એ માટે વેચાણ કરતા સમયે એની ઉપર લગાવેલું રેપર ફાડી નાખે છે, જેથી ઉત્પાદક, ડીલરને બેચ નંબરના આધારે ઝડપી શકાય નહીં. હાલમાં આવા કહેવાતા કફ સિરપ જેમાં ઝેરી કેમિકલની પણ હાજરી હોય છે એવી બોટલોનું ધૂમ વેચાણ શરૂ થયું છે, જે ગમે ત્યારે શહેરમાં લઠ્ઠાકાંડ સર્જાય એવી પરિસ્થિતિ સર્જાશે એવી આશંકા જાણકારોએ વ્યક્ત કરી છે.