અરવલ્લી/ભિલોડા : અરવલ્લી જિલ્લામાં કોરોનાના કહેર સતત વધી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના મહામારીને કારણે પોઝિટિવ દર્દીઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.સરકારી વિભાગો અને બેંકો પણ કોરોના પોઝિટિવ દર્દીથી પ્રભાવિત થઈ રહી છે.ભિલોડા નગરમાં આવેલી બેંક ઓફ બરોડા (દેના બેંક)ના ૪ કર્મચારીઓના રેપીડ ટેસ્ટમાં કોરોના પોઝિટીવ આવતા તાત્કાલિક અસરથી બેંકનું કામકાજ સ્થગીત કરવામાં આવ્યું હતું. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન બેંકમાં કામકાજ માટે મુલાકાત કરનાર ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે. બેંક કર્મચારીઓ સુપરસ્પેડર બની શકે છે. અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના લોકો માસ્ક બાંધતા નથી. ભિલોડાની બેંક ઓફ બરોડાની બ્રાન્ચના ચાર કર્મચારીઓમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણ જણાતા કર્મચારીનો રેપિડ ટેસ્ટથી કોરોનાનો રિપોર્ટ કરવામાં આવતા કોરોના પોઝિટિવ આવતા બેંક સત્તાવાળાઓએ તાત્કાલિક અસરથી બેંકની કામગીરી બંધ કરી દીધી હતી. બેન્કમાં સેનેટાઈઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બેંક કેટલા દિવસ બંધ રાખવાની છે તે અંગે બેંકના સત્તાવાળાઓએ ગ્રાહકોને જાણ કરી નથી. બેંક બહાર નોટિસ બોર્ડ પર બેંક બંધ રહેશે તેવી નોટિસ ચિપકાવી દીધી છે પરંતુ સપ્તાહના પ્રથમ દિવસે બેંક બંધ કરવાને કારણે અનેક ગ્રાહકોને પાછા ફરવું પડ્યું હતું.