આણંદ : રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦માં પેટલાદ નગરપાલિકાએ સમગ્ર ગુજરાત રાજ્યની ૧ લાખથી ઓછી વસતિ ધરાવતી કુલ ૧૬૨ નગરપાલિકાઓમાં પ્રથમ નંબર મેળવ્યો છે, જ્યારે તેની સામે ૧ લાખથી વધુ વસતિ ધરાવતાં શહેરોેમાં ૧૪૬મા ક્રમે રાજ્યમાં ચોથું સ્થાન મેળવ્યું હતું, જ્યારે રાષ્ટ્રના વેસ્ટઝોનમાં ૬૯મો ક્રમાંક મેળવ્યો છે. આ સાથે પેટલાદ નગરપાલિકાને બેસ્ટ પ્રેક્ટિસ ઇનોવેશન્સનો એવોર્ડ પણ મળ્યો છે.

સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦માં પેટલાદ નગરપાલિકાએ ગુજરાતની નગરપાલિકાઓમાં પ્રથમ સ્થાન મેળવી આણંદ જિલ્લાનું ગોરવ વધાર્યું છે, જ્યારે પાંચ રાજ્યોના વેસ્ટઝોનમાં ૧૯મા ક્રમે પણ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. પેટલાદ નગરપાલિકા દ્વારા કચરાનો આધુનિક પદ્ધતિથી નિકાલ, વેસ્ટમાંથી બેસ્ટ, પ્લાસ્ટિક કચરાંમાંથી ડીઝલ બનનાવવું, કચેરીના વાહન ખર્ચને બચાવવો, ઘરઘરથી કચરો ઉઘરાવવો, વૃક્ષા રોપણ, રસ્તાની સફાઈ તેમજ સૌથી અગત્યનું તેનું સુચારું વયસ્થાપન કરવું જેવી બાબતોમાં પેટલાદ નગરપાલિકાનું વ્યવસ્થાપન અન્યો કરતાં શ્રેષ્ઠ પૂરવાર થયું હતું. નાગરિકો તરફથી નગરને સ્વચ્છ રાખવામાં જબરદસ્ત સહકાર મળ્યો હતો. રાજ્યમાં સુરત, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ કોર્પોરેશનને પણ સ્વચ્છ સિટીના એવોર્ડ મળ્યાં છે, જ્યારે પેટલાદ ૨૦૧૭માં ૧૦૦૮મા નંબરે હતું. ૨૦૧૮માં કૂદકો મારી ૩૦૩મા નંબરે આવ્યું હતું. ૨૦૧૯માં ૫૯ અને ૨૦૨૦માં ૧૯મા ક્રમાંક સુધી પહોંચી લોકોની આદત બદલવામાં સફળ રહ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ ગુજરાતના શહેરો વૈશ્વિક કક્ષાના બને તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે ત્યારે આ સર્વેક્ષણમાં મળેલું સ્થાન સૌનો ઉત્સાહ વધારનારું બની રહેશે.