વડોદરા : પેટ્રેલ-ડીઝલ, રાંધણગેસના બોટલો સાથે ખાદ્યતેલના ભાવ પણ આસમાને પહોંચતાં કોંગ્રેસ દ્વારા આજે તેલના ભાવમાં વધારા સામે ‘ભાજપ તારો કેવો ખેલ સસ્તો દારૂ, મોંઘું તેલ’ના પ્લેકાડ્‌ર્સ અને સૂત્રોચ્ચારો સાથે કોંગ્રેસે ચોખંડી ખાતે ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરો ખાદ્યતેલના ખાલી ડબ્બા લઇને રોડ પર બેસી જતાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયાં હતાં. વાડી પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.

ખાદ્યતેલમાં ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા શહેરના ચોખંડી ખાતે તેલના ખાલી ડબ્બા સાથે ચક્કાજામનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાનીમાં મોંઘવારીના વિરોધમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો બેનર્સ અને પોસ્ટર્સ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ‘ભાજપ તારો કેવો ખેલ સસ્તો દારૂ, મોંઘું તેલ’ના સૂત્રોચ્ચાર કરીને કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, સરકારને અપીલ છે કે તમે તેલના ભાવ ઓછા કરો, સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારે છે, બીજી તરફ તેલ અને દૂધ પણ મોંઘું થઇ ગયું છે, ત્યારે પોલીસનો ઉપયોગ કરીને સરકાર અમારા આંદોલનને દબાવવા માગે છે, તેનો અમારો વિરોધ છે. દિવસે ને દિવસે ખાદ્યપદાર્થોના ભાવ, ફુગાવો વધી રહ્યો છે. મોંઘવારીને કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે રસ્તા પર ઉતર્યું છે. ભાવવધારાના વિરોધમાં આજે અમે આક્રમક કાર્યક્રમ કર્યો છે.