ભરૂચ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ૪ નગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયા બાદ આજે સત્તાવાર રીતે પ્રમુખ, ઉપપ્રમુખનાં હોદ્દાઓની વરણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ અને અંકલેશ્વર નગરપાલીકાની કમાન્ડ યુવા નેતાઓના હાથમાં ગઇ હતી જેને લઇ કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જાેવા મળ્યો હતો. ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ભાજપમાં વર્ષોથી સક્રિય અને પ્રથમવાર વોર્ડ નંબર પાંચમાંથી ઉમેદવારી કરી વિજેતા બનનાર અમિત ચાવડાને બનાવવામા આવ્યા હતા સાથે જ ઉપપ્રમુખ તરીકે નીના યાદવની વરણી કરવામાં આવતા ખુશીનો માહોલ છવાયો હતો, નગરપાલિકાનાં સભાખંડમાં મોટી સંખ્યામાં સમર્થકોએ ઉમટી પડી બંને નવ નિયુક્ત પ્રમુખ, ઉપ પ્રમુખને શુભેચ્છાઓ આપી હતી. અંકલેશ્વરમાં પણ યુવા નેતા તરીકે ઉભરી આવેલ અને પ્રથમવાર નગર પાલિકાની ચૂંટણી લડી વિજેતા બનેલ વિનય વસાવાને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા તેઓના સામર્થકોમાં ખુશનો માહોલ છવાયો હતો. સાથે જ નવ નિયુક્ત પ્રમુખને શુભેચ્છઓ આપી હતી. તો પ્રમુખ બનતાં જ બને નેતાઓએ પ્રજાના વિકાસનાં કાર્યોને વેગવંતા બનાવી આવનાર દિવસોમાં દરેક કાર્ય પૂર્ણ કરવાની બાંહેધરી આપી હતી.તો બીજી તરફ આમોદ નગર પાલિકામાં પ્રમુખ તરીકે મહેશભાઈ બુધાભાઈ કા.પટેલ તેમજ ઉપ્રમુખ તરીકે ઉષાબેન સુરેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી, તો જંબુસર નગર પાલીકામાં પ્રમુખ તરીકે ભાવનાબેન રામીની વરણી કરવામાં આવતા આમ તમામ નગર પાલિકાઓમાં સમર્થકોના ઉત્સાહ વચ્ચે નવ નિયુક્ત પ્રમુખ, ઉપ પ્રમુખોઓએ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.

અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ

અંકલેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપ જંગી બહુમતીથી વિજય બન્યા બાદ હવે સત્તાવાર રીતે સત્તાનું સુકાન સંભાળ્યું હતું અને પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકા પંચાયતની ર૬ બેઠકો પૈકી ર૩ બેઠકો ઉપર ભાજપે જીત હાંસલ કરીને પંચાયતીરાજની સત્તા પર ભગવો યથાવત્‌ રાખ્યો હતો. ત્યારે આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખપદે અરવિંદ પટેલ, ઉપપ્રમુખ તરીકે તૃપ્તિબેન જાની, કારોબારી ચેરમેન પદે કલ્પેશ પટેલ, પક્ષના નેતા તરીકે વિજયસિંહ સોલંકી અને દંડક તરીકે સંજય પટેલની વરણી કરવામાં આવતાં ભાજપાના કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ હતી.