નસવાડી.તા.૬

બોડેલીમાં આવેલી છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર કચેરીના નામે નકલી કચેરી ઉભી કરી તેમજ તેમાં સરકારી કામો કાગળ પર મંજુર કરાવીને ૪.૧૫ કરોડનું કૈાભાંડ આચરવાના ચકચારભર્યા બનાવમાં નવો વળાંક આવ્યો છે. આ કૈાભાંડની પોલીસ ફરિયાદ નોંધાવનાર અસલી સરકારી કચેરીનો જુનિયર ક્લાર્ક જ સમગ્ર કૈાભાંડનો માસ્ટર માઈન્ડ હોવાની અને તેની સાથે અન્ય ત્રણ કર્મચારીઓ સંડોવાયેલા હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવતા પોલીસે જુનિયર ક્લાર્ક સહિત વધુ ચાર સરકારી કર્મચારીઓની ધરપકડ કરતા ચકચાર મચી છે.

બોડેલી સ્થિત છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર કચેરીમાં નવા કામોની નવી દરખાસ્તો આવી હતી જેની હાલમાં નવા નિમાયેલા આઈએએસ અધિકારી સચિનકુમારે કચેરીના અન્ય અધિકારીઓ સાથે ચર્ચા હાથ ધરી હતી. જાેકે ચર્ચા દરમિયાન બોડેલીની અસલી કચેરીના સિંચાઈ ડિવિઝન-૨ નાં અધિકારીઓએ તેઓએ આવી કોઈ દરખાસ્ત નથી મોકલી તેવો ઘટસ્ફોટ કર્યો હતો. આ દરખાસ્તો ક્યાંથી આવી અને કોણે મોકલી તેની તપાસ શરૂ કરતાં પ્રાયોજના વહીવટદાર કચેરીમાં આવેલી દરખાસ્તો સાવ બોગસ હોવાની અને આ રીતે અગાઉ નકલી દરખાસ્તો મોકલીને ૪.૧૫ કરોડ રૂપિયાની ઉચાપત થયાનું સપાટી પર આવ્યું હતું. આખેઆખી નકલી કચેરી ઉભી કરીને આર્થિક કૈાભાંડ આચરવાના બનાવની પ્રાયોજના વહીવટદાર કચેરીના જુનિયર ક્લાર્ક જાવેદ ઈબ્રાહીમ માંકનોજીયાએ છોટાઉદેપુર પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવની પોલીસે તપાસ શરૂ કરી હતી અને અસલી કચેરીમાં અધિકારીના સ્વાંગમાં આવીને દરખાસ્તોની કામગીરી લાવતા સંદીપ રાજપુત અને અબુબકર સૈયદને ઝડપી પાડી તેઓના ૧૨ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડમાં બોડેલીની કચેરીમાં દરખાસ્તો અંકીત સુથાર પહોંચતી કરતો હોવાની વિગતો મળતાં તેની પણ ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવાયા હતા. નકલી કચેરીના ત્રણ આરોપીઓના રિમાન્ડ દરમિયાન ગઈ કાલે એવી ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી કે આ નકલી કચેરી-આર્થિક કૈાભાંડનો માસ્ટર માઈન્ડ જુનિયર ક્લાર્ક જાવેદ માંકનોજીયા છે. નકલી કચેરી કૈાભાંડનો ફરિયાદી જ ખુદ માસ્ટર માઈન્ડ હોવાની વિગતો મળતા પોલીસે ગઈ કાલે જાવેદ માંકનોજીયાની ગઈ કાલે ધરપકડ કરી હતી.

જાવેદની પૂછપરછમાં તેની સાથે આ કૈાભાંડમાં સંડોવાયેલામાજી મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી ચંદુભાઈ પરષોત્તમભાઈ કલેરીયાની પણ સંડોવણી સપાટી પર આવતા પોલીસે ગઈ કાલે અસલી કચેરીના બે સરકારી કર્મચારીઓની ધરપકડ કરી હતી.

આ કૈાભાંડમાં ત્રણ નકલી અને બે અસલી કર્મચારીઓની ધરપકડ બાદ વધુ બે સરકારી કર્મચારીઓ દિનેશ કે ચૈાધરી જે હાલમાં રાજપીપળા પ્રાયોજનો કચેરીમાં મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી છે તેમની જ નાયબ કાર્યપાલક ઈજનેર સિંચાઈ છોટાઉદેપુર મયુર કે પટેલ જે હાલમાં સુરત ડિઝાઈન પેટા વિભાગમાં ફરજ બજાવે છે તેઓની સંડોવણી સપાટી પર આવતા આજે મોડી સાંજે આ બંને અધિકારીઓની પણ પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી છે.

રાજ્યવ્યાપી કૌભાંડમાં અંતે સરકારી અધિકારીની સંડોવણીની શંકા સાચી પડી

જે રીતે નકલી કચેરી ઉભી કરી અસલી સરકારી કચેરીમાં દરખાસ્તો મોકલીને તેના કામો મંજુર કરાવીને ૪.૧૫ કરોડ જેવી માતબર રકમની ઉચાપત સરકારી કચેરીના અધિકારીઓ-કર્મચારીઓની સંડોવણી વિના શક્ય જ નથી તેવું પહેલીથી મનાતું હતું. આ સમગ્ર કૈાભાંડમાં અસલી કચેરીના કર્મચારીઓ-અધિકારીઓ પણ સામેલ હોવાની પોલીસને પહેલેથી શંકા હતી જે આજે ચાર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની ધરપકડના અંતે સાચી પડી છે. ઉલ્લેખનીય છે કે આ કૈાભાંડમાં હવે ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા સાત પર પહોંચી છે જેમાં ૩ નકલી અને ૪ અસલી સરકારી કર્મચારી-અધિકારીઓ છે.