અમદાવાદ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં ચોથી ટી20 આંતરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતીય ટીમનો 8 રને રોમાંચક વિજય થયો છે. આ સાથે જ પાંચ ટી20 મેચની સીરિઝમાં ભારત અને ઈંગ્લેન્ડ બન્ને 2-2ની બરોબરી પર આવી ગઈ હોવાથી છેલ્લી મેચ રસપ્રદ બની રહેશે. ભારત તરફથી બેટિંગમાં સૂર્યકુમારે અડધી સદી ફટકારી હતી જ્યારે બોલિંગમાં શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ ઝડપતાં ભારતને જીત તરફ દોરી ગયો હતો. સૂર્યકુમરા યાદવને પ્રથમ ટી20 ફિફ્ટી ફટકારવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. ભારતની સાધારણ શરૂઆત રહી હતી અને 21 રને રોહિત શર્મા જોફ્રા આર્ચરની ઓવરમાં કોટ એન્ડ બોલ્ડ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ બીજી વખત ટી20માં રમી રહેલા સૂર્યકુમરાને ત્રીજા ક્રમે બેટિંગની તક આપવામાં આવી હતી. સૂર્યકુમારે 31 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાં સાથે 57 રનની જોરદાર ઈનિંગ રમતા ભારતને મજબૂત સ્થિતિમાં લાવ્યું હતું. આઠમી ઓવરમાં કે એલ રાહુલ 14 રન કરીને બેન સ્ટોક્સનો શિકાર બન્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી પણ ખાસ પ્રદર્શન કરી શક્યો નહતો અને 1 રન કરીને રાશિદની ગૂગલી બોલમાં સ્ટમ્પ આઉટ થઈ ગયો હતો. નવોદીત ખેલાડી રિષભ પંતના 23 બોલમાં 30 રન તેમજ શ્રેયસ ઐયરના 18 બોલમાં 37 રનની મદદથી ભારતનો સ્કોર 20 ઓવરમાં આઠ વિકેટે 185 રહ્યો હતો.

ઈંગ્લેન્ડની ટીમે પણ ટાર્ગેટ ચેઝ કરવામાં પાછીપાની કરી નહતી. ઓપનર જેસન રોયે 40 રન ફટકાર્યા હતા. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે તોફાની બેટિંગ કરતા 23 બોલમાં 46 રન કર્યા હતા. એક તબક્કે ઈંગ્લેન્ડે હારની બાજી જીતમાં ફેરવી નાંખી હતી. જો કે શાર્દુલ ઠાકુરે એક જ ઓવરમાં બેન સ્ટોક્સ અને ઓઈન મોર્ગનને આઉટ કરીને ભારતને જીત અપાવી હતી.

શાર્દુલ ઠાકુરે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત રાહુલ ચહર અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ જ્યારે ભુવનેશ્નવર કારે એક વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરના અંતે આઠ વિકેટે પર 177 રન જ કરી શકી હતી. ભારતનો 8 રને રોમાંચક વિજય થયો હતો અને સીરિઝમાં ઈંગ્લેન્ડની બરોબરી પર આવી ગયું છે.