આણંદ : મધ્ય ગુજરાતના ખંભાતમાં દિવાળી પર્વની ભેટ રૂપે ૧૨ કરોડના વિવિધ નગર વિકાસના કામોના ઈ-લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવ્યાં હતાં. રાજ્યમાં અર્બન ડેવલપમેન્ટ અને રૂરલ ડેવલપમેન્ટ ક્ષેત્રોમાં સિટિઝન સેન્ટ્રીક વ્યવસ્થાઓનો વ્યાપ વિસ્તારી ઇઝ ઓફ લીવિંગ વધારવાની વાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. આ સાથે ચરોતરને નવા વર્ષે વધુ એક જીઆઇડીસી મળશે તેવો અણસાર પણ મુખ્યમંત્રીએ આપ્યો હતો. સરકારમાં ખંભાતને જીઆઇડીસી આપવાની વિચારણાં ચાલી રહી હોવાનું સીએમએ કહ્યું હતું. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે સંક્રમણના આ કપરાં કાળમાં પણ ગુજરાતની સરકારે ૧૨ હજાર કરોડથી વધુ રકમનાં વિકાસ કામો પ્રજાને અર્પણ કર્યાં છે. વિકાસની ગતિને મહામારીમાં પણ અટકવા દીધી નથી. સીએમએ વધુમાં વિકાસના કામો ઘણાવતાં કહ્યું હતું કે, ગિરનાર રોપ-વે, રો-રો ફેરી સર્વિસ, કિસાન સૂર્યોદય યોજના, એશિયાની મોટી કાર્ડિયાક હોસ્પિટલ અને જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને નેશનલ ઇમ્પોર્ટન્સ ઇન્સ્ટિટ્યૂટનો દરજ્જાે જેવાં અનેક કામો કરવામાં આવ્યાં છે. આ સાથે વિજય રૂપાણીએ ખંભાત નગરમાં પણ વિકાસના કામોની શૃંખલા ચાલું રાખવાની વાત કહેતાં આગામી સમયમાં ખંભાતને જીઆઇડીસી આપવાનો અણસાર પણ આપી દીધો હતો. ખંભાતની જૈનતીર્થ ક્ષેત્ર તરીકેની પૂરાતન જાહોજલાલી પુનઃ પ્રસ્થાપિત થાય તે માટે નગરપાલિકાને આ વિકાસ કામો સહિત વધુને વધુ જનહિત કાર્યોને વેગવંતા બનાવવા સીએમએ અનુરોધ કર્યો હતો. રાજ્યના નગરો-ગામોમાં હવે ઇન્ટરનેટ સુવિધા સાથે ડિજિટલ સેવાસેતુના માધ્યમથી લોકોને ઘર આંગણે જ વિવિધ પ્રમાણપત્રો, દાખલાઓ મળી રહ્યાં છે તેવું પણ સીએમએ કહ્યું હતું.

સીએમએ કહ્યું હતું કે, ઘર-ઘર શૌચાલય, નગરો-ગામોમાં નલ સે જલ, ગેસના ચૂલા આપીને રસોડામાં ધૂમાડા મુકિત જેવાં સામુદાયિક વિકાસ કામોથી ગુજરાતમાં લોકોની સુખાકારી વધારી છે. ગુજરાતમાં સુરક્ષા, શાંતિ, સલામતિ પણ જળવાઇ રહે તે માટે સરકારે ગુંડાગર્દી વિરોધી કાનૂન, ગૌહત્યા કરનારા, દારૂની પ્રવૃત્તિ કરનારા સહિતના અસામાજીક તત્વો સામે સખ્તાઇથી કાર્યવાહી કરી છે. સીએમએે દિપાવલીના પર્વોમાં નાગરિકોને તહેવારો-ઉત્સવો ઉમંગથી ઉજવવા સાથે કોરોના સંક્રમણ સામે પણ સાવચેત રહેવા ખાસ અપીલ કરી હતી.

ખંભાત નગરજનોને વિકાસના કામોની ભેટ મળશે. આ કામોમાં રૂ.૩૩૭ લાખના ખર્ચે તૈયાર થયેલાં માદળા તળાવ બ્યુટીફિકેશનની કામગીરી, રૂ. ૪૮૭ લાખના ખર્ચે દરિયે ગેબીયન મેટ્રીસ વોલ, કંમ્પાઉન્ડ વોલ, આર્ટિફિશિયલ પોન્ડ, મનોરંજન અર્થે સ્ટોલ, ગાર્ડનિંગ, પાર્કિંગ, રમત-ગમતના સાધનો, રૂ.૧૧.૯૪ લાખના ખર્ચે ખંભાત નગરપાલિકાના વોર્ડ નં.૨માં અદ્યતન કમ્યુનિટી હોલ બનાવવાની કામગીરી, રૂ.૧૧.૯૪ લાખના ખર્ચે ખંભાત નગરપાલિકા વોર્ડ નં.૩માં અદ્યતન કમ્યુનિટી હોલ બનાવવાની કામગીરી, રૂા.૧૫.૫૮ લાખના ખર્ચે ખંભાત નગરપાલિકા વોર્ડ નં.૯માં અદ્યતન કમ્યુનિટી હોલ બનાવવાની કામગીરી, રૂ.૭.૧૨ લાખના ખર્ચે નવી નગરી વિસ્તારમાં પાણીની સુવિધા માટે ટ્યૂબવેલ, પંપરૂમ, પંપીગ મશીનરીની કામગીરી, રૂ.૩૪.૯૬ લાખના ખર્ચે સ્મશાનમાં અદ્યતન ગેસ આધારિત ક્રિમેશન રૂમ, પાણીની ટાંકીની કામગીરી, રૂ.૧૧૮.૪૬ લાખના ખર્ચે ખંભાત શહેરના જુદાં જુદાં વિસ્તાકમાં સીસી રસ્તાની કામગીરી તથા પેવર બ્લોકની કામગીરી, રૂ.૧૬૭.૦૯ લાખના ખર્ચે ખંભાત શહેરના જુદાં જુદાં વિસ્તારમાં આરસીસી રસ્તાની કામગીરી (નવ રસ્તા પૈકી પાંચ રસ્તા પૂર્ણ) અને ૧૦.૯૯ લાખના ખર્ચે સ્વામિ વિવેકાનંદ સ્ટેચ્યૂ સર્કલ રિનોવેશન ઉપરાંત રૂ.૧૦૫.૪૭ લાખના ખર્ચે શહિદબાગ વોટર વર્કસ ખાતે ૧૦ લાખ લિટર ક્ષમતાની ૨૦ મીટર ઊંચી આરસીસી ઈએસઆરની કામગીરીનો સમાવેશ થાય છે.