હાલોલ, હાલોલ પાલિકા દ્વારા થોડા દિવસ પહેલા સફાઈ કર્મચારીઓને છુટા કરી દેવાયા બાદ શહેરની સફાઈ કામગીરી અસ્તવ્યસ્ત થઈ જતા ઠેર ઠેર ગંદકીના ઢગ વાગી ગયા છે. તો કેટલાક વિસ્તારોમાં ગંદકીને લઇ રોગચાળો ફાટી નીકળવાની વકી સર્જાઈ છે. રોજ હજારો લોકોની અવરજવર એવા હાલોલ બસસ્ટેન્ડ, મેઈન બજાર, એપીએમસી નજીક આવેલ સોસાયટી તરફ સહીતના વિસ્તારોમાં વચ્ચોવચ ગંદકી ખડકાઈ ગઈ છે. જેને કારણે રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. છાશવારે વિસ્તારના ચુંટાયેલા સભ્યો સહિત જવાબદાર સત્તાધીશોને રજુઆત કર્યા છતાં પરિસ્થીતી યથાવત રહેતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. તેમ છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હાલતું નથી.પાલિકાના વહીવટમાં ગેરરિતીના આક્ષેપો વચ્ચે એકાએક ગાંધીનગર વિજિલન્સ વિભાગની વીજળીક તપાસ શરૂ થતાં પાલિકામાં હડકંપ મચી જતા છેલ્લા કેટલાક વખતથી પાલિકા પ્રમુખ કે મુખ્ય અધિકારીની પાંખી હાજરીથી સફાઈ કામદારોને મોકળું મેદાન મળી ગયુ હોય તેમ પાલિકામાં કોઈ જવાબદાર હાજર ન હોય ફરિયાદ કે નાનામોટા કામો માટે આવતા લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દર મહિને સફાઈમાં લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમ છતાં શહેરની સફાઈનો પ્રશ્ન દિવસે દિવસે જટિલ બનતો જાય છે. આમ પાલિકાના અણઘડ વહીવટને લઈ સરકારના સ્વચ્છ ભારત મિશનના અભિયાનને કાળી ટીલી ચોંટાડી છે.