દુબઇ

ટોચના ક્રમાંકિત ઇંગ્લેન્ડ સામેની ૧૨ માર્ચે પાંચ મેચની શ્રેણી પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ની પુરુષ ટી-૨૦ ટીમ રેન્કિંગમાં ભારત બીજા સ્થાને પહોંચી ગયું છે. ઈંગ્લેન્ડ હાલમાં ભારત કરતા સાત પોઇન્ટ આગળ છે. તે અગાઉ ત્રીજા સ્થાને હતું પરંતુ ઓસ્ટ્રેલિયાની ન્યુઝીલેન્ડ સામે તાજેતરની ૨-૩ થી પરાજય બાદ ભારતીય ટીમ આગળ વધવામાં સફળ રહી હતી. જો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે માત્ર એક જ પોઇન્ટનો તફાવત છે. ટી-૨૦ બેટિંગ ટેબલમાં ભારતીય બેટ્‌સમેન કેએલ રાહુલ એક સ્થાન નીચે ઘટીને ત્રીજા સ્થાને રહ્યો છે પરંતુ કેપ્ટન વિરાટ કોહલી પહેલાની જેમ છઠ્ઠા સ્થાને છે. રાહુલ પાસે ૮૧૬ રેટિંગ પોઇન્ટ છે અને તે ઇંગ્લેંડના ડેવિડ મલાન (૯૧૫ પોઇન્ટ) અને ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચ (૮૩૦) પછી ત્રીજા ક્રમે છે. કોહલીના ૬૯૭ પોઇન્ટ છે.

ફિંચે ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ ત્રણ ટી-૨૦ મેચોમાં ૬૯, ૭૯ અને ૩૬ રન બનાવ્યા જેનાથી તે બે સ્થાન ઉપર પહોંચી શક્યો. ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં બે અર્ધ સદીની મદદથી ૨૧૮ રન બનાવ્યા જેનાથી તે ત્રણ સ્થાન ઉપર આઠમા સ્થાને પહોંચવામાં મદદ કરી. ઓસ્ટ્રેલિયાના એશ્ટન અગર અને ન્યુઝીલેન્ડના ઇશ એ શ્રેણીમાં અનુક્રમે ૧૩ અને ૮ વિકેટ ઝડપીને તેમની રેન્કિંગમાં સુધારો કર્યો છે. અગર ચાર સ્થાન ઉપર ચોથા સ્થાને અને ઇશ ત્રણ સ્થાને આઠમાં સ્થાને પહોંચ્યા છે. ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથી અને સ્પિનર એડમ જંપા ત્રણ અને એક સ્થાન નીચે સરકીને અનુક્રમે નવમા અને છઠ્ઠા સ્થાને રહ્યા છે.શ્રીલંકાના સ્પિનર લક્ષણ સંદકન જેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાં છ વિકેટ લીધી હતી તે નવ સ્થાનની છલાંગ લગાવીને ૧૦ માં સ્થાને પહોંચી ગયો છે.