મુંબઈ-

ભારતીય ક્રિકેટ માટે, આજનો દિવસ ખૂબ યાદગાર છે. 38 વર્ષ પહેલા 25 જૂન 1983 ના રોજ, ભારતીય ક્રિકેટ ટીમે, કપિલ દેવના નેતૃત્વમાં તત્કાલીન અજેય વેસ્ટ ઈન્ડિઝને 43 રનથી હરાવીને, વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમની આ સિદ્ધિ પછી દેશમાં ક્રિકેટનુ સ્વરૂપ બદલાઈ ગયુ અને ક્રિકેટરોને ભગવાનનો દરજ્જો આપવામાં આવવા લાગ્યો.

1983 ના વર્લ્ડ કપની ફાઇનલમાં, ભારત બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ ટીમ સામે હતુ. મેચમાં વેસ્ટ ઇન્ડીઝની શાનદાર શરૂઆત થઈ હતી અને તેની જીત મેળવી હતી. તેણે ભારતને ફક્ત 183 રનમાં આઉટ કરી દીધું હતું. ભારત તરફથી શ્રીકાંતે 38 રન બનાવ્યા હતા. સંદીપ પાટિલ (27), મોહિન્દર અમરનાથ (26), મદન લાલ (17), કપિલ દેવ (15) અને સૈયદ કિરમાની (14) એ ભારતને 180 રનથી આગળ લઈ જવા માટે નાની ઇનિંગ્સ રમી હતી.

જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે પણ એક સમયે એક વિકેટ માટે 50 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝના સમર્થકોએ વિજયની ઉજવણી શરૂ કરી દીધી હતી. તે જ સમયે, ભારતીય ચાહકોની આશાઓ બરબાદ થઈ રહી હતી. પરંતુ મોહિન્દર અમરનાથ, મદન લાલ, બલવિન્દર સંધુ, કપિલ દેવ અને રોજર બિન્નીએ વેસ્ટ ઇન્ડીઝને 140 રનમાં આઉટ કરવા માટે, ગજબનુ કમબેક કર્યું. અમરનાથ અને મદને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. સંધુએ બે અને કપિલ અને બિન્નીએ એક-એક વિકેટ લીધી હતી.

આ મેચમાં કપિલદેવે લીધેલા વિવિયન રિચાર્ડ્સનો કેચ, લોકોને હજી પણ યાદ છે. કપિલદેવે આ કેચ લેતા પહેલા, મિડવીકેટથી બાઉન્ડ્રી સુધીની લગભગ 25 પગથિયાં ચાલ્યા હતા. તે દિવસે ભારત વિશ્વ ચેમ્પિયન બન્યુ એટલુ જ નહીં, દેશના ક્રિકેટના સુવર્ણ દિવસો પણ તે દિવસ થી શરૂ થયા હતા.