હરારે-

ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચેની બીજી ટી-૨૦ મેચમાં યજમાનોએ ૧૯ રને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ઝિમ્બાબ્વેની ટીમે પ્રથમ વખત ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં પાકિસ્તાનને હરાવી દીધું હતું. આ જીત સાથે બંને ટીમો ત્રણ મેચની શ્રેણીમાં ૧-૧ ના સ્તર પર પહોંચી ગઈ છે.

પાકિસ્તાને ટોસ જીતીને ઝિમ્બાબ્વેને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. તેના જવાબમાં યજમાનોની શરૂઆત સારી રહી ન હતી અને તેણે પાંચ વિકેટ ૮૩ રનમાં ગુમાવી દીધી હતી. આ પછી ટીમે ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૧૮ રન બનાવ્યા હતા. તિનાશે કમુનહુનકાવે સૌથી વધુ ૩૪ રન બનાવ્યા. જ્યારે પાકિસ્તાન તરફથી મોહમ્મદ હસ્નાઇન અને ડેનિશ અઝીઝે બે-બે વિકેટ ઝડપી હતી.

ઝિમ્બાબ્વેના નાના ૧૧૯ રનનો લક્ષ્યનો પીછો કરવા પાકિસ્તાનની શરૂઆત બહુ ખાસ નહોતી અને મોહમ્મદ રિઝવાન ૧૩ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ફખર ઝમન પણ ખાસ કંઈ કરી શક્યો નહીં અને તે પણ બે રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન બાબર આઝમ ૪૧ રન પાકિસ્તાન માટે સંઘર્ષ કર્યો હતો પરંતુ તેની બીજા છેડે સતત વિકેટ પડી રહી હતી. આ જોતા પાકિસ્તાનની આખી ટીમ ૧૯.૫ ઓવરમાં ૯૯ રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે માટે લ્યુક જોંગવે સૌથી સફળ બોલર હતો અને તેણે ચાર વિકેટ ઝડપી હતી. તે જ સમયે રિયાન બર્લને બે સફળતા મળી હતી.