સિડની

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓને રંગભેદી ટિપ્પણીનો સામનો કરવો પડ્યો છે. ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા અને ચોથા દિવસે સતત ત્યાંના દર્શકોએ રંગભેદી ટિપ્પણી કરી હતી. હવે આ મામલે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. BCCIએ તેની ફરિયાદ ત્યાંના બોર્ડ પાસે કરી છે. પણ હવે આ મામલામાં ICC પણ સખત થઈ ગયું છે. ICCએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) પાસે કાર્યવાહીનો રિપોર્ટ માગ્યો છે. 

ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પર પ્રેક્ષકો દ્વારા કરાયેલ અભદ્ર ભાષા અને રંગભેદી ટિપ્પણીઓ પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આકરી આપત્તિ વ્યક્ત કરી છે. અને તેણે પોતાનો ગુસ્સો ટ્વીટર પર કાઢ્યો છે. 

સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું હતું કે રમત એકતા માટે છે, ભાગલા પાડવા માટે નથી. ક્રિકેટ ભેદભાવ રાખતું નથી. બેટ અને બોલ તેને પકડનારની પ્રતિભાને ઓળખે છે, જાતિ, રંગ, ધર્મ અથવા રાષ્ટ્રીયતા નહીં. જે લોકો સમજી શકતા નથી તેમના માટે રમતના મેદાનમાં કોઈ સ્થાન નથી. સચિનના આ ટ્વિટ પર ક્રિકેટ ચાહકો પણ ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાની સાથે થયેલી રંગભેદી ટિપ્પણીને લઇને રોષ વ્યક્ત કરી રહ્યા છે. 

CAના ઇંટિગ્રેટી અને સુરક્ષા પ્રમુખ સીન કેરોલે કહ્યું કે, “ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તમામ ભેદભાવપૂર્ણ વર્તનની કડક નિંદા કરે છે.” તેમણે કહ્યું કે, “શ્રેણીના યજમાન તરીકે, અમે ભારતીય ક્રિકેટ ટીમમાં અમારા મિત્રોની માફી માંગીએ છીએ અને તેમને ખાતરી આપીએ છીએ. અમે આ મામલે આકરી કાર્યવાહી કરીશું. 

આ મામલા પર BCCI સચિવ જય શાહે પણ ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યું કે, ક્રિકેટ અને સમાજમાં જાતિવાદને કોઈ સ્થાન નથી. મેં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે વાત કરી છે. અને તેઓએ કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે. BCCI અને CA એકસાથે ઉભા છે. આવી હરકતોને ક્યારેય સહન કરવામાં નહીં આવે.