સિડની

માત્ર 10 દિવસની અંદર કારમા પરાજયથી લઈ શાનદાર જીત મેળવવા અને રોહિત શર્માના (Rohit Sharma) કમબેકથી ખુશ ટીમ ઈન્ડિયા હવે વધુ મજબૂત લાગી રહી છે. ટીમ ઈન્ડિયા ગુરુવારથી સિડનીમાં શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં પોતાનો દબદબો જાળવી રાખવાનો પ્રયાસ કરશે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય ખેલાડીઓએ ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે પરંતુ આ ગ્રાઉન્ડ ટીમ ઈન્ડિયા માટે અનલકી રહ્યું છે. કારણ કે ટીમે અહીં 6 વખત હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયા 42 વર્ષમાં માત્ર 1 ટેસ્ટ અહીં જીતી શકી છે. 


રહાણેની કેપ્ટન્સીમાં ટીમ સિડનીમાં ઈતિહાસ રચી 2-1થી સરસાઈ મેળવી લે છે તો બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ ટીમ ઈન્ડિયા પાસે જ રહેશે અને આ ભારતીય ક્રિકેટ ટીમ માટે યાદગાર ક્ષણ રહેશે. કારણ કે, ભારત પાસે હાલ વિરાટ કોહલી (Virat Kohli) જેવો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન નથી અને 2 ટોચના બોલર પણ સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. એવું ભાગ્યે જ જોવા મળે છે કે, સ્ટિવ સ્મિથ જેવા બેટ્સમેનોથી સજ્જ ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઈનઅપને ભારતીય બોલરોએ માત આપી હોય. શમી અને ઉમેશ યાદવની ગેરહાજરીમાં નવદીપ સૈનીની  પસંદગી ઉતારી છે અને નવદીપ તેનુું ટેસ્ટ ડેબ્યુ કરવા માટે તૈયાર છે. 

સિડનીની વિકેટને પરંપરાગત રીતે બેટ્સમેનોની પિચ મનાય છે. અહીં સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી, સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્‍મણ ઉપરાંત ગત પ્રવાસમાં પૂજારા તથા પંતે અહીં સદી ફટકારી હતી. જો રોહિત-ગિલ ટીમને સારી શરૂઆત અપાવે છે તો તેનાથી પૂજારાને રાહત મળશે. જેની પર પ્રથમ 2 ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન બાદથી જ દબાણ વધ્યું છે. 

ટીમ ઇન્ડિયા : 

રોહિત શર્મા, અજિંક્ય રહાણે (સુકાની), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, નવદીપ સૈની.

ઓસ્ટ્રેલિયાઃ 

ડેવિડ વોર્નર, મેથ્યૂ વેડ, વિલ પુકોવસ્કી, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરુન ગ્રીન, ટિમ પેન (કેપ્ટન-વિકેટકીપર), નાથન લાયન, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, માર્કસ હેરિસ, મિશેલ સ્વેપસન, માઈકલ નેસર.