મુંબઈ

ચેન્નઈ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કરતા અહીં વાનખેડે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ ની ૧૨મી મેચમાં રાજસ્થાન રોયલ્સને ૪૫ રને પરાજય આપી ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. આ જીત સાથે ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. તો રાજસ્થાન રોયલ્સનો આ ત્રીજી મેચમાં બીજો પરાજય છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૮૮ રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૪૩ રન બનાવી શકી હતી. ચેન્નઈ માટે કેપ્ટન તરીકે ધોનીને આજે ૨૦૦મી મેચ હતી જેમાં માહીને જીતની ભેટ મળી છે. 

ઈનિંગની શરૂઆત કરવા જોસ બટલર સાથે મનન વોહરા મેદાન પર ઉતર્યા. મનન વોહરા ૧૪ રન બનાવી સેમ કરનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સેમ કરને કેપ્ટન સંજૂ સેમસનને આઉટ કરી ચેન્નઈને મોટી સફળતા અપાવી હતી. સંજૂ ૧ રન બનાવી બ્રાવોના હાથે કેચઆઉટ થયો હતો. જોસ બલટર ૪૯ રન બનાવી જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો હતો. આજ ઓવરના અંતિમ બોલ પર જાડેજાએ શિવમ દુબે (૧૭) ને આઉટ કર્યો હતો. 

ધોનીએ ૧૦મી ઓવર બાદ મોઇન અલીને બોલ આપ્યો હતો. મોઇન અલીએ પાછલી મેચના હીરો ડેવિડ મિલરને આઉટ કરી રાજસ્થાનને પાંચમો ઝટકો આપ્યો હતો. ત્યારબાદની ઓવરમાં અલીએ પહેલા રિયાન પરાગ (૦) અને ક્રિસ મોરિસ (૦)ને આઉટ કરી રાજસ્થાનની જીતનીવ આશા પર પાણી ફેરવી દીધુ હતું. જયદેવ ઉનડકટ ૧૭ બોલમાં ૨૪ રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. 

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈની ટીમને પ્રથમ ઝટકો રિતુરાજ ગાયકવાડના રૂપમાં લાગ્યો જે ૧૩ બોલમાં ૧૦ રન બનાવી મુસ્તફિઝુકર રહમાનનો શિકાર બન્યો હતો. બીજી સફળતા રાજસ્થાનને ફાફ ડુ પ્લેસિસના રૂપમાં મળી જે ૧૭ બોલમાં ૩૩ રન બનાવી ક્રિસ મોરિસની ઓવરમાં રિયાન પરાગના હાથે કેચ આઉટ થયો હતો. ત્રીજી વિકેટના રૂપમાં મોઇન અલી ૨૦ બોલમાં ૨૬ રન બનાવી તેવતિયાના હાથે આઉટ થયો હતો. રાજસ્થાનને ચોથી સફળતા અંબાતી રાયડૂના મળી જે ૧૭ બોલમાં ત્રણ છગ્ગા સાથે ૨૭ રન બનાવી આઉટ થયો હતો. પાંચમી સફળતા રાજસ્થાનને રૈનાના રૂપમાં મળી જે તેવતિયાની ઓવરમાં મોરિસના હાથે આઉટ થયો હતો. સકારિયાએ એમએસ ધોનીને આઉટ કર્યો હતો. ધોની ૧૮ રન બનાવી આઉટ થયો હતો. ડ્‌વેન બ્રાવોએ ૮ બોલમાં અણનમ ૨૦ રન બનાવી ટીમનો સ્કોર ૧૮૦ને પાર પહોંચાડ્યો હતો. 

રાજસ્થાન તરફથી ચેતન સાકરિયાએ ફરી શાનદાર બોલિંગ કરતા ૪ ઓવરમાં ૩૬ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. આ સિવાય ક્રિસ મોરિસને પણ ૨ વિકેટ મળી હતી. આ સિવાય મુસ્તફિઝુર અને રાહુલ તેવતિયાને ૧-૧ સફળતા મળી હતી.