સિડની-

ઈજાગ્રસ્ત ખેલાડીઓની ભરમાર સામે ઝઝૂમી રહેલી ભારતીય ટીમને મંગળવારે વધુ એક આંચકો લાગ્યો છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને એબ્ડોમિનલ એટલે કે ઉદરના સ્નાયુઓમાં ખેંચ આવી જવાથી તેને સારવાર અને આરામ અપાય છે, અને તેને પગલે તે આગામી ચોથી ટેસ્ટ એટલે કે બ્રિસ્બેન ખાતે રમાનારી ટેસ્ટમાં રમી શકશે નહીં. ભારતીય ખેલાડીઓએ બેજોડ સંઘર્ષ કરીને બચાવી હતી એ સિડની ખાતે ટીમે ડ્રો કરેલી મેચ દરમિયાન બુમરાહને આવી ઈજા થઈ હતી. 

બુમરાહનો સ્કેન રીપોર્ટ જોયા બાદ લાગ્યું હતું કે, તેને હજી સ્નાયુઓની ખેંચ જણાય છે અને બોર્ડ તેની ઈજા વધારીને જોખમ લેવા માંગતું નથી કેમ કે, ભારતીય ઈલેવને હજી આગામી દિવસોમાં ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટની શ્રેણી પણ રમવાની છે. બોર્ડે પોતાની યાદીમાં જણાવ્યું હતું કે, બુમરાહને સિડની ટેસ્ટ દરમિયાન ફિલ્ડીંગ ભરતી વખતે પેટના મસલ્સ ખેંચાઈ જવાથી આવી ઈજા થઈ હતી, અને હવે આશા છે કે, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં તે ટીમ માટે ઉપલબ્ધ રહેશે.