અબુધાબી 

 ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 27મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ દિલ્હી કેપિટલ્સ (DC)ને પાંચ વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં પાંચમી જીત મેળવી છે. આ સાથે મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે દિલ્હીનો સાત મેચમાં આ બીજો પરાજય છે. દિલ્હી 10 પોઈન્ટ સાથેટ ટેબલમાં બીજા સ્થાને છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 19.4 ઓવરમાં 166 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

દિલ્હીએ આપેલા 163 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને 5મી ઓવરમાં 31 રનના સ્કોરે પ્રથમ ઝટકો લાગ્યો હતો. રોહિત શર્મા માત્ર 5 રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ડિ કોકે શાનદાર બેટિંગ કરતા આ સીઝનની બીજી અડધી સદી ફટકારી હતી. ડિ કોક 36 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 53 રન બનાવી આઉટ થયો હતો. અશ્વિનને આ સફળતા મળી હતી. ડિ કોક આઉટ થયો ત્યારે મુંબઈનો સ્કોર 77 રન હતો.

ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા સૂર્યકુમાર યાદવે પણ અડધી સદી ફટકારી હતી. તેણે પહેલા ડિ કોક સાથે બીજી વિકેટ માટે 46 રનની અને ત્યારબાદ ઇશાન કિશન સાથે ત્રીજી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી સૂર્યકુમાર યાદવ 32 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 53 રન બનાવી આઉટ થયો હતો. તેને રબાડાએ આઉટ કર્યો હતો. હાર્દિક પંડ્યા (0) સ્ટોયનિસનો શિકાર બન્યો હતો. ઇશાન કિશન 15 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 28 રન બનાવી રબાડાની ઓવરમાં આઉટ થયો હતો. અંતમાં પોલાર્ડ 10 અને ક્રુણાલ પંડ્યા 12 રન બનાવી અણનમ રહ્યા હતા. દિલ્હી તરફથી રબાડાએ બે, અક્ષર પટેલ, અશ્વિન અને સ્ટોયનિસે એક-એક વિકેટ ઝડપી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પ્રથમ ઓવરમાં પૃથ્વી શો (4)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. શોને ટ્રેન્ટ બોલ્ટે ક્રુણાલ પંડ્યાના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ આ સીઝનમાં પ્રથમ મેચ રમી રહેલ અંજ્કિય રહાણે માત્ર 15 બોલમાં 15 રન બનાવી ક્રુણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો. આમ કેપિટલ્સે 24 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.