રાજકોટ,તા.૧૩

ક્રિકેટજગતમાં સૌરાષ્ટ્રનું યોગદાન અમૂલ્ય છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં રમાતી રણજી ટુર્નામેન્ટ જામ રણજી અને દુલીપ ટ્રોફી લેજન્ડરી ક્રિકેટર દિલીપસિંહને નામે રમાય છે. સૌરાષ્ટ્રને ક્રિકેટવિશ્વમાં એક નવી ઊંચાઈ આપનાર અને છેલ્લા છ દાયકાથી સૌરાષ્ટ્ર અને રાષ્ટ્રીય ક્રિકેટમાં મહામૂલું યોગદાન આપનાર નિરંજન શાહનું નામ રાજકોટમાં એસસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે આવતી કાલે જાેડવામાં આવશે.

અમદાવાદના મોટેરા ક્રિકેટ ગ્રાઉન્ડને નરેન્દ્ર મોદી નામકરણ કરવામાં આવ્યા બાદ ગુજરાતના બીજા આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડનું નામકરણ આવતી કાલે ૧૪મી એ બીસીસીઆઇના સેક્રેટરી જય શાહને હસ્તે એક સમારોહમાં કરવામાં આવશે. નિરંજન શાહનું નામ ક્રિકેટજગત માટે અજાણ્યું નથી, પરંતુ આજની નવી પેઢી તેમનું ક્રિકેટની રમત માટે કેવું યોગદાન છે તે વિશે કદાચ અજાણ હશે. ત્યારે આવો જાણીએપ તેમના ક્રિકેટ સાથેના યોગદાન અંગે.નિરંજન શાહનો જન્મ ૪ જૂન, ૧૯૪૪એ રાજકોટમાં થયો હતો. ૭૯ વર્ષીય નિરંજનભાઈને સ્કૂલ અને કોલેજ કાળથી ક્રિકેટ પ્રત્યે લગાવ હતો. વર્ષ ૧૯૬૭માં સૌપ્રથમ રણજી ટીમ સાથે જાેડાયા. તેઓ લેફટ હેન્ડ બેટ્‌સમેન તરીકે સૌરાષ્ટ્રની રણજી ટીમમાં જાેડાયા બાદ ૧૯૭૩માં કેપ્ટન બન્યા હતા.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સેક્રેટરી ૧૯૭૨-૭૩ બન્યા અને તેમનું સપનું હતું કે રાજકોટ અને સૌરાષ્ટ્રનું ક્રિકેટ ટેલેન્ટ વિશ્વ સ્તરે ચમકે. આ માટે તેમણે રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નું પોતાનું આધુનિક સ્ટેડિયમ બને – એ માટે પ્રયાસો કર્યા. તેઓ બીસીસીઆઇના ૧૯૯૨-૯૩માં જાેઇન્ટ સેક્રેટરી અને ૨૦૦૧માં સેક્રેટરી તરીકે ચૂંટાયા. વર્ષ ૨૦૦૫માં પણ તેઓ ફરી એ હોદા પર આવ્યા. બીસીસીઆઇની અનેક મહત્વની કમિટીના તેઓ મેમ્બર રહ્યા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નું પોતાનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા રાજકોટ નજીક ખંઢેરી ગામ પાસે જમીન લઈને વર્ષ ૨૦૧૩માં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને હસ્તે નવા ક્રિકેટ સ્ટેડિયમનું ખાતમુહૂર્ત થયું. આમ નિરંજન શાહનું સ્ટેડિયમમાં સપનું સાકાર થયું અને સૌરાષ્ટ્રને એક મોટી ભેટ મળી મળી.સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહ ચિત્રલેખા.કોમને કહે છે એ પ્રમાણે સૌરાષ્ટ્ર ક્રિકેટરો જ નહિ, રાષ્ટ્રીય સ્તરે રમતા ખેલાડીઓને પ્રોત્સાહન મળે એ માટે મેચ ફી વધે તેવા પ્રયાસો કર્યા અને ખેલાડીઓને આજે સારું આર્થિક વળતર અને ભૂતપૂર્વ રણજી અને બીસીસીઆઇના ખેલાડીઓને સારું પેન્શન મળે તે માટે તેમનું યોગદાન મહત્વનું રહ્યું છે.બીસીસીઆઇની ક્રિકેટ ટીમ સાથે તેઓ મેનેજર તરીકે અનેક દેશોમાં ગયા છે અને આ જવાબદારી સુપેરે નિભાવી છે. તેમનું એક સપનું એ હતું કે રાજકોટ ટેસ્ટ ડેસ્ટિનેશન બને અને રાજકોટને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ મળ્યો છે. રાજકોટમાં નિરંજન શાહના પ્રયાસોથી દરેક ફોર્મેટની મેચો રમાઈ રહી છે. તેઓ આઇપીએલના વાઇસ ચેરમેન પણ રહી ચૂક્યા છે. સૌરાષ્ટ્રને ક્રિકેટ વિશ્વમાં ટોચ પર પહોચાડવામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. તેમના શ્વાસમાં ક્રિકેટ ધબકે છે.