બ્રિસ્બેન

બ્રિસબેન ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં મોહમ્મદ સિરાજે કહેર વરસાવ્યો અને પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. સિરાજે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં માર્નસ લાબુશેન, મેથ્યુ વેડ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડને આઉટ કર્યા. પોતાની ટેસ્ટ કરિયરમાં પ્રથમવાર સિરાજે 5 વિકેટ હૉલ કરવાની કમાલ કરી બતાવી. પોતાની બોલિંગથી સિરાજે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. 

મોહમ્મદ સિરાજ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ડેબ્યુ કરીને એક ટેસ્ટ સિરિઝમાં સૌથી વધુ વિકેટ હાંસલ કરનારા ભારતીય બોલર બની ગયો છે. ઉલ્લેખનીય છે કે સિરાજે મેલબર્ન ટેસ્ટમાં પોતાનું ડેબ્યુ કર્યુ હતું. અત્યાર સુધી તેમણે પોતાની ડેબ્યુ ટેસ્ટ સિરિઝમાં કુલ 13 વિકેટ લીધી છે. તેણે એમ કરીને પૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 

શ્રીનાથે 1991-92મં શ્રીનાથે પણ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ડેબ્યુ કર્યુ હતું. તેણે પોતાની ડેબ્યુ ટેસ્ટ સિરિઝમાં 10 વિકેટ મેળવી હતી. આ ઉપરાંત દત્તૂ ફડકરે 1947-48માં ઓસ્ટ્રેલિયામાં ડેબ્યુ કરીને 8 વિકેટ પ્રાપ્ત કરી હતી. 

ભારતીય બોલરોમાં મોહમ્મદ સિરાજે શાનદાર પ્રદર્શન કરીને લંચ પછી શોર્ટ બોલ પર સ્મિથને ગલીમાં કેચ આઉટ કરાવી દીધો. સ્મિથ 74 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 55 રન બનાવીને આઉટ થયો. રહાણેએ તેનો કેચ પકડ્યો. આ અગાઉ સિરાજે 31મી ઓવરના ત્રીજા બોલમાં માર્નસ લાબુશેન (22 બોલમાં 25 રન) અને અંતિમ બોલ પર મેથ્યુ વેડ (0)ને આઉટ કર્યો. લાબુશેને બીજી સ્લીપમાં રોહિત શર્માને અને વેડને વિકેટ પાછળ ઊભેલા ઋષભ પંત પાસે કેચ આઉટ કરાવ્યા. તેના પછી સિરાજે સ્ટાર્કને આઉટ કરીને ચોથી વિકેટ હાંસલ કરી. 

આ અગાઉ ડેવિડ વોર્નર અને માર્ક્સ હેરિસે પ્રથમ વિકેટ માટે 89 રન કર્યા. વોર્નરે 75 બોલમાં છ ચોગ્ગાની મદદથી 45 રન બનાવ્યા પરંતુ વોશિંગ્ટન સુંદરે તેને આઉટ કર્યો. તેના પછી હેરિસે 82 બોલમાં 38 રન બનાવીને શાર્દુલ ઠાકુરના બાઉન્સરનો શિકાર બન્યો જેનો કેચ પંતે ઝડપી લીધો હતો. હેરિસે પોતાની ઈનિંગમાં આઠ ચોગ્ગા ફટકાર્યા.