મોહમ્મદ અનસ, એમ.આર. પૂવામ્મા, હિમા દાસ અને રાજીવ અરોકિયાની ટીમે ૪ બાય ૪૦૦ મીટરની મિક્સ રિલે ત્રણ મિનિટ અને ૧૫.૭૧ સેકન્ડમાં પુરી કરી હતી. જ્યારે બહેરિનની ટીમ ત્રણ મિનિટ અને ૧૧.૮૯ સેકન્ડ સાથે ગોલ્ડ મેડલ જીતી હતી.

એશિયન ગેમ્સમાં ભારતની મિક્સ રિલે ટીમે ૪ બાય ૪૦૦ મીટરની રેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે તે ઈવેન્ટમાં બહેરિનની ટીમને ગોલ્ડ મેડલ મળ્યો હતો. જોકે બહેરિનની ટીમમાં સામેલ મહિલા એથ્લીટ કૅમી એડેકોયા ડોપિંગમાં પકડાઈ હતી અને તેના કારણે ટીમનો ગોલ્ડ મેડલ છીનવી લેવામાં આવ્યો છે. જે ભારતને આપવાનો નિર્ણય લેવાયો છે. ટૂંકમાં એશિયન ગેમ્સ ૨૦૧૮માં ચાર બાય ૪૦૦ મીટરની મિક્સ રિલેમાં ગોલ્ડ મેડલ વિજેતા તરીકેનુ સન્માન ભારતીય ટીમને મળ્યું છે.

ભારતની અનુ રાઘવનને પણ મહિલાઓની ૪૦૦ મીટર વિઘ્ન દોડમાં બ્રોન્ઝ મેડલ વિજેતા જાહેર કરવામાં આવી છે. અનુ રાઘવન તે રેસમાં ચોથા ક્રમે રહી હતી. જ્યારે બહેરિનની કૅમી એડેકોયાએ તે રેસ જીતી હતી. જોકે તેના ડોપિંગના કારણે સિલ્વર મેડલ વિજેતાને ગોલ્ડ અને બ્રોન્ઝ વિજેતાને સિલ્વરના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ચોથા ક્રમે રહેલી ભારતીય એથ્લીટને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.