અબુધાબીઃ 

બેન સ્ટોક્સ (107*) અને સંજૂ સેમનસ (54*) વચ્ચે ત્રીજી વિકેટની 152 રનની અણનમ ભાગીદારીની મદદથી રાજસ્થાન રોયલ્સે કરો યા મરો મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે પરાજય આપી પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. રાજસ્થાનની ટીમે 12 મેચમાં પાંચમી જીત મેળવી છે. આ હાર બાદ પણ મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 195 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાને 18.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

મુંબઈએ આપેલા પહાડી લક્ષ્યનો સામનો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. રોબિન ઉથપ્પા (13) રન બનાવી જેમ્સ પેટિન્સનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેપ્ટન સ્ટીવ સ્મિથ (11)ને પણ પેટિન્સને આઉટ કરીને રાજસ્થાનને બીજો ઝટકો આપ્યો હતો. આમ રાજસ્થાને માત્ર 44 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પાવરપ્લેમાં રાજસ્થાનનો સ્કોર 2 વિકેટે 55 રન હતો.

પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવ્યા બાદ સંજૂ સેમસન અને બેન સ્ટોક્સે ઈનિંગને સંભાળી હતી. બેન સ્ટોક્સે આ ટૂર્નામેન્ટમાં દમદાર બેટિંગ કરતા પહેલા પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ સંજૂ સેમનસે પણ શાનદાર પ્રદર્શન કરતા માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. સ્ટોક્સ અને સંજૂ સેમસને ત્રીજી વિકેટ માટે અણનમ 152 રનની ભાગીદારી કરી હતી. સંજૂ સેમનસ 31 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 54 રન બનાવી અણનમ રહ્યો હતો.

બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી

આ સીઝનમાં સતત ફ્લોપ રહી આલોચનાનો સામનો કરી રહેલ બેન સ્ટોક્સ આજે અબુધાબીમાં અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે મુંબઈની મજબૂત બોલિંગ લાઇનઅપનો આક્રમક રીતે સામનો કરી પોતાની સદી પૂરી કરી હતી. સ્ટોક્સે 59 બોલમાં પોતાના આઈપીએલ કરિયરની બીજી સદી પૂરી કરી હતી. સ્ટોક્સ 60 બોલમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 107 રન બનાવ્યા હતા.