વોશ્ગિટંન-

અમેરિકા અને ઇરાન વચ્ચેનો તણાવ જગજાહેર છે તેની વચ્ચે ઇરાને એવી જાહેરાત કરી દીધી કે અમેરિકાને ધોળા દિવસે તારા દેખાઇ ગયા. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને બે જમીનથી જમીન સુધી માર કરવામાં સક્ષમ મિસાઇલોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ઇરાને તેના ટોચના કમાન્ડરના નામ પર ‘શહીદ કાસિમ સુલેમાની’ નામ આપ્યું છે, જે લગભગ 1400 કિલોમીટરના અંતર સુધી માર કરવામાં સક્ષમ છે. તો બીજી ક્રૂઝ મિસાઇલનું નામ ઇરાન દ્વારા શહીદ અબુ મહદી રાખવામાં આવ્યું છે. ઇરાની નૌકાદળની આ મિસાઇલની રેન્જ લગભગ 1000 કિ.મી.ની ધરાવે છે.

ઇરાકમાં યુએસના મિસાઇલ હુમલામાં કમાન્ડર કાસિમ સુલેમાની અને અબૂ મહદીના મોત થયા હતા. ત્યાર બાદથી યુએસ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. યુએસ સતત ઈરાનને તેના મિસાઇલ પરીક્ષણને બંધ કરવાની માંગણી કરી રહ્યુ છે. હવે બે નવી મિસાઇલોનું પરીક્ષણ કરીને ઈરાને યુએસ અને તેના સાથી ઇઝરાઇલ, સાઉદી અરેબિયા અને યુએઈને કડક ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો છે. ઈરાનના સંરક્ષણમંત્રી અમીર હતામીએ આ બંને મિસાઇલોના સફળ પરીક્ષણની જાહેરાત કરી છે.

આ મિસાઇલોના પરીક્ષણની તસવીરો ઈરાનની સરકારી ટીવી ચેનલ પર બતાવવામાં આવી હતી અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે ઈરાનની પ્રતિરોધક ક્ષમતાને વધારશે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું કે આ મિસાઇલો ખાસ કરીને ક્રૂઝ મિસાઇલો અમારા માટે ખૂબ મહત્વની છે. અમે ફક્ત બે વર્ષમાં તેની રેન્જ 300 થી વધારી 1000 કિ.મી. સુધી કરી લીધી છે જે એક મોટી ઉપલબ્ધિ છે. રૂહાનીએ એમ પણ કહ્યુ હતું કે તેમના દેશની સૈન્ય શક્તિ અને મિસાઇલ કાર્યક્રમ કોઈ પણ હુમલા સામે રક્ષણ આપવા માટે છે નહીં કે હુમલાઓ કરવા માટે.