ન્યુ દિલ્હી

દિલ્હીમાં ચાલતા આઇએસએસએફ શુટિંગ વર્લ્ડ કપના ચોથા દિવસે ભારતે ૧૦ મીટર એર રાઈફલ મિક્સ્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. દિવ્યાંશ સિંહ અને ઈલાવેનિલ વલારિયાનની જોડીએ ફાઈનલમાં હંગેરીની ટીમને ૧૬-૧૦થી હરાવી. આ દિવ્યાંશનો આ ટુર્નામેન્ટમાં બીજો મેડલ છે. આ અગાઉ તેણે ૧૦મી એર રાઈફલ મેન્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. ભારતે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં ૪ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલ એમ કુલ ૧૦ મેડલ જીત્યા છે. ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાં હાલ ટોપ પર છે. 

ભારતે ૧૦ મીટર એર પિસ્તોલ મેન્સ અને વુમન્સ બંને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ભારત તરફથી યશસ્વિની દેસવાલે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૨ ગોલ્ડ મેડલ જીત્યા છે. તેણે ૧૦મી એર પિસ્તોલ ટીમ ઈવેન્ટ અને વુમન્સ સિંગલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. આઇએસએસએફ શુટિંગ વર્લ્ડ કપ ઈવેન્ટમાં ૫૩ દેશોના ૨૯૭ શુટર્સે ભાગ લીધો છે. જેમાં ભારતના ૫૭ શુટર્સ સામેલ છે.