વડોદરા : નકલી રેમડેસિવિર ઈન્જેકશન બનાવવાનું દેશનું સૌથી મોટું કૌભાંડ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયું છે. કોરોનાકાળમાં અત્યાર સુધી ઝડપાયેલો સૌથી મોટો ડુપ્લિકેટ આ ઈન્જેકશનો શહેર નજીકના એક ફાર્મહાઉસમાં તૈયાર કરાતા હતા. મેડિકલ માફિયાઓમાંથી મોતના સોદાગર બનેલા આ મામલાના આરોપીઓ સામે સઅપરાધ માનવહત્યાની કલમ ૩૦૯ લગાવી ગંભીર પ્રકારનો ગુનો નોંધી ૧૩૦૦ રેમડેસિવિર ઈન્જેકશન જપ્ત કરી મુખ્ય સૂત્રધાર મનાતા બે અને એક મહિલાને ઝડપી લીધા છે.

વડોદરા પાસે રાઘવપુરા ગામના ફાર્મહાઉસમાં વિવેક મહેશ્વર અને નિતેશ જાેષી નામના બે ભેજાબાજાેએ ડુપ્લિકેટ રેમડેસિવિર બનાવવાનું શરૂ કર્યું હતું. વડોદરા ક્રાઇમ બ્રાંચે વડોદરાના વિવેક ઘનશ્યામભાઇ મહેશ્વર અને આણંદની નઇમબેન હનીફભાઇ વોરાની ધરપકડ કરી છે અને નિતેશ જાેષીને વોન્ટેડ જાહેર કર્યો છે. વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.સમશેરસિંગે જણાવ્યું હતું કે, ગઇકાલે જે રેમડેસિવિર ઇન્જેક્શન પકડ્યા હતા, તેની ચકાસણી કરાવતાં તે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન હોવાનું ખૂલ્યું હતું. વિવેક મહેશ્વર અને નિતેશ જાેષી રાઘવપુરા ગામના ફાર્મહાઉસમાં નકલી રેમડેસિવિર બનાવીને પેકેજિંગ કરતા હતા. આ બંનેએ મળીને કોરોના મહામારીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને ખૂબ મોટો ગુનો આચર્યો છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ન્યૂમોનિયાની દવા પર રેમડેસિવિરનું સ્ટીકર લગાવી દેતા હતા જે સ્ટીકર અમે કબજે કર્યાં છે. માત્ર ૧૫૦ રૂપિયાની દવા ૪ હજારમાં વિવેક વેચતો હતો અને બાદમાં ગઇકાલે પકડાયેલા ૫ આરોપીઓ ૧૬થી ૨૦ હજાર સુધીમાં વેચતા હતા. આશરે ૧૩૦૦ જેટલા ઇન્જેક્શન અમે આજે કબજે કર્યાં છે. વિવેક મહેશ્વર અને નિતેશ જાેષીએ મળીને પ્લાન બનાવ્યો હતો કે, આપણે નકલી રેમડેસિવિર બનાવીને વેચીને પ્રોફિટ કરીએ. તે લોકોએ રાઘવપુરા ગામમાં એક ફાર્મહાઉસ રાખ્યું હતું, ત્યાંથી પેકેજિંગ ચાલુ કર્યું હતું. પેકેજિંગ અને સ્ટીકર પ્રોવાઇડ કરવાનું કામ નિતેશ કરતો હતો અને વિવેક સ્ટીકર લગાવીને ડુપ્લિકેટ રેમડેસિવિરનું પેકેજિંગ કરતો હતો.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૭૦૦ જેટલા ઇન્જેક્શન નિતેશ જાેષીએ અમદાવાદમાં વેચ્યા હતા અને ૩૧૭ આણંદના જતીન પટેલને વેચ્યા હતા. આમ, આણંદ અને વડોદરામાં મળીને કુલ ૪૬૦ ઇન્જેક્શન વેચ્યા હતા. આમ આશરે ૧૧૬૦ જેટલા ઇન્જેક્શનો વેચી દીધા હતા. બે અઠવાડિયાથી આ લોકો ઇન્જેક્શન બનાવીને વેચતા હતા. વિવેક ફાર્માસિસ્ટ છે અને નિતેશ અમદાવાદ ખાતે એસવીપી હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરતો હતો અને તે અમદાવાદનો રહેવાસી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ગંભીર બાબત છે અને જે લોકોએ ઇન્જેક્શન લીધા હતા તેઓ માનતા હતા કે, અમને અસર કરશે પણ ડુપ્લિકેટ ઇન્જેક્શન હોવાથી કોઇ અસર કરતા નથી અને તેની નિષ્કાળજીથી લોકોના મોત પણ થઇ શકે છે.

નકલી ઈન્જેકશનના સ્ટીકર અને બોક્સ કયાં બનાવ્યાં?

વડોદરા. કોરોનામાં ગંભીર બનતા દર્દીઓને જ રેમડેસિવિર ઈન્જેકશનો અપાતા હોય છે એમને જાે નકલી ઈન્જેકશનો અપાયા હશે અને મોત નીપજ્યાં હશે એના જવાબદાર આ મામલામાં ઝડપાયેલા આરોપીઓ જ રહેશે. પોલીસ દ્વારા કોને કેટલા ઈન્જેકશનો અપાયાહ તા એની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્ટીકર કયાં છપાવ્યાં, બોક્સ ક્યાંથી આવ્યાં એ તપાસ ઉપરાંત તબીબોની પણ સંડોવણી છે કે કેમ? એની તપાસ હાથ ધરી હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું છે.

અમદાવાદ-વડોદરા ક્રાઈમ બ્રાન્ચની સંયુકત કામગીરીમાં કૌભાંડ બહાર આવ્યું

વડોદરા. નકલી રેમડેસિવિરની ફેકટરી ઝડપવાનું અમદાવાદ અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચનંુ સંયુકત ઓપરેશન હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હયાત હોટલમાંથી નીતેશ જાેશી અને શક્તિસિંહ રાવતને ઝડપી પાડયા હતા. એ અગાઉ પાંચ આરોપીઓને ઝડપી લીધા, એમને કબૂલાત કરી હતી કે અમે અમદાવાદ, રાજકોટ, સુરત સહિત નકલી ઈન્જેકશનો વેચ્યા છે, જે વડોદરાનો વિવેક મહેશ્વરી પાસેથી લીધા હતા. આ જાણકારીને પગલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આખી ફેકટરી ઝડપી પાડી હતી.

નકલી ઈન્જેકશન બનાવવાની ઓપરેન્ડી

વડોદરા. મેડિકલ માફિયામાંથી મોતના સોદાગર બનેલાઓ કેવી રીતે નકલી રેમડેસિવિર ઈન્જેકશન બનાવતા હતા એની જાણકારી પોલીસે મેળવી છે. જેમાં પ્રેયાસીલીન ટાઝોબાકટમ નામની સામાન્ય ગણાતા એન્ટિબાયોટીકના માત્ર ૧૫૦ના ઈન્જેકશન ઉપર હેટ્રો કંપનીના કોવિફોર ઈન્જેકશનના સ્ટીકર લગાડી બોક્સમાં પેક કરાતા હતા. જ્યારે ટેરિફિક એસબી નામની ઈન્જેકશન બોટલ ઉપર જાુબી આર રેમડેસિવિરનું સ્ટીક લગાવી બોકસમાં પેક કરી ૨૦૦ રૂપિયાના ઈન્જેકશન ૧૬ થી ૨૦ હજારમાં વેચાતા હતા.

હોસ્પિટલોમાં દર્દીના નામે લવાયેલા ઈન્જેકશનોની તપાસ થવી જાેઈએ

વડોદરા. હોસ્પિટલોમાં વપરાતા રેમડેસિવિર ઈન્જેકશનોના બોક્સ જ પાછા મેળવી આરોપીઓ બનાવટી ઈન્જેકશનો બનાવવા માટે કરતા હોવાનું માનવામાં આવે છે. ત્યારે કેટલીક હોસ્પિટલ કે તબીબોની પણ આમાં સંડોવણી હોઈ શકે છે એવી શંકા ઊભી થઈ છે. એક તરફ સરકારી ક્વોટાના રેમડેસિવિર ઈન્જેકશનો હોસ્પિટલોને ફાળવાતા હોવા છતાં ડોકટરો દર્દીઓના સગાંઓને જ ઈન્જેકશનો લઈ આવો એવો આગ્રહ રાખે છે એવા સમયે હોસ્પિટલોમાં કેટલા દર્દી પાછળ કેટલા ઈન્જેકશન વાપર્યા અને ક્યાંથી આવ્યા? એ માટે ઓડિટ કમિટી નીમે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.