મુંબઇ  

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ કનેક્શનની તપાસ થઈ રહી છે. NCBએ ધર્મા પ્રોડક્શનમાં કામ કરી ચૂકેલા ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરી છે. ક્ષિતિજની પૂછપરછ દરમિયાન NCBને ખ્યાલ આવ્યો કે તેણે મેથી જુલાઈ 2020 દરમિયાન 12 વખત ગાંજો ખરીદ્યો હતો. એક રિપોર્ટમાં NCBના સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે ક્ષિતિજને કરમજીત ગાંજો સપ્લાય કરતો હતો.

NCBના સૂત્રોએ કહ્યું હતું કે ક્ષિતિજે તેના અંધેરી વેસ્ટ સ્થિત ઘરની બહાર અનેકવાર ગાંજો ડિલિવર કર્યો હતો. ક્ષિતિજ 50 ગ્રામ ગાંજાના સાડા ત્રણ હજાર રૂપિયા આપતો હતો. આ પેમેન્ટ કરમજીત નામની વ્યક્તિને ગાંજો મળે ત્યારે આપતો હતો.

આ દરમિયાન NCBએ ક્ષિતિજના ઘરમાંથી ગાંજો પણ જપ્ત કર્યો હતો. પૂછપરછ દરમિયાન ડ્રગ પેડલર અંકુશ અનરેજાની 12 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે ક્ષિતિજને સંકેત પટેલ પણ ડ્રગ્સ સપ્લાય કરતો હતો અને પછી સંકેતની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં સંકેતે કબૂલ કર્યું હતું કે કરમજીતના કહેવા પર અંકુશ અનરેજા ગાંજો આપતો હતો.

ક્ષિતિજ 3 ઓક્ટોબર સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. સુશાંત કેસના ડ્રગ એંગલમાં અત્યાર સુધી NCBએ 20 લોકોની ધરપકડ છે.