મુંબઈ-

ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ 4 ઓગસ્ટના રોજ જણાવ્યું હતું કે કુમાર મંગલમ બિરલાએ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. આ નિર્ણય 4 ઓગસ્ટ 2021 થી અમલમાં આવ્યો છે. વોડાફોન-આઈડિયાના બોર્ડ સભ્યોએ એક બેઠકમાં બિરલાનું રાજીનામું સ્વીકારી લીધું છે. બોર્ડે સર્વાનુમતે વર્તમાન નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હિમાંશુ કાપનિયાને કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે.

ગયા મહિને આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ ભારત સરકારને પત્ર લખીને કહ્યું હતું કે તે વોડાફોન-આઈડિયામાં પોતાનો હિસ્સો સરકારને આપવા માંગે છે. આ પછી, 3 ઓગસ્ટના રોજ વોડાફોન-આઈડિયાના શેર 12 ટકાથી વધુ ઘટ્યા. જ્યારે 4 ઓગસ્ટના રોજ વોડાફોન-આઈડિયાનો શેર 18.92 ટકા ઘટીને 6 રૂપિયા પર બંધ થયો હતો.

કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને લખેલા પત્રમાં કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે રોકાણકારો હવે કંપનીમાં નાણાં રોકવા માંગતા નથી. આનું કારણ એ છે કે તેમને AGR ની બાકી રકમ અંગે કોઈ સ્પષ્ટ વિચાર નથી મળી રહ્યો. સત્તાવાર માહિતી અનુસાર, વોડાફોન-આઈડિયાને 58,254 કરોડ રૂપિયાની AGR બાકી છે. તેમાંથી કંપનીએ રૂ. 7854.37 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. જ્યારે રૂ. 50,399.63 કરોડ ચૂકવવાના બાકી છે. જ્યારે કંપનીનું કહેવું છે કે તેની ગણતરી મુજબ માત્ર રૂ. 21,533 કરોડ રૂપિયા બાકી છે. જો કે સુપ્રીમ કોર્ટે 23 જુલાઈના રોજ આપેલા ચુકાદામાં કંપનીઓના AGR લેણાંની ગણતરી ફરી નહીં કરવામાં આવે તેવો ઇનકાર કર્યો હતો.