ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે વિવિધ જ્ઞાતિ સમાજ અને અન્ય રાજકીય પક્ષના નેતાઓ આગેવાનો રાજકીય પક્ષોમાં જાેડાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતી કલાકારોએ પણ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હાથે કેસરીયો ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જેમા ભૂતપૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા બાબુભાઈ શાહની પુત્રી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓએ આજે કમલમ્‌ ખાતે કેસરીયો ખેસ પહેર્યો હતો.

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોમાં અવરજવર વધી રહી છે. ત્યારે આજે કોંગ્રેસના પીઢ નેતા અને પૂર્વ નાણા મંત્રીની પુત્રી સહિતના કોંગ્રેસના અગ્રણીઓ, કલા જગતના કલાકારો અને ગુજરાતી ફિલ્મની અભિનેત્રી સહિતનાએ કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં જાેડાયા હતા. પ્રદેશ ભાજપ કાર્યાલય “શ્રી કમલમ“ ખાતે કચ્છના કોંગ્રેસના આગેવાનો અને ગુજરાત કલા જગતના નામાકિંત કલાકારો આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ભાજપમાં જાેડાયા હતા. જેમાં પૂર્વ નાણા મંત્રી બાબુ મેઘજી શાહના પુત્રી જાગૃતિ શાહ કે જેઓ કચ્છના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને મહિલા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂકયા છે. તેમજ પૂર્વ નાણા મંત્રી બાબુ મેઘજી શાહના પુત્ર ગૌતમ શાહ તથા કચ્છ જિલ્લા પૂર્વ મહામંત્રી યુવરાજસિંહ લીંબાડ, કોંગ્રેસ શહેરના પૂર્વ મહામંત્રી વિજય વઢવાણા સહિત ૪૪ જેટલા કાર્યકરો ભાજપમાં જાેડાયા હતા. આ ઉપરાંત કલાકાર જગતના જાણીતા કલાકારોમાં ભક્તિ કુબાવત, મમતા સોની, જાણીતા અભિનેત્રી ફાલ્ગુની રાવલ, કામિની પટેલ, હેમાંગ દવે, હેતલ ઠક્કર, સની કુમાર, પ્રશાત બારોટ, જ્યોતિ શર્મા જાેડાયા હતા.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આઝાદી પછી પ્રથમ વખત ખેડા સહકારી બેન્ક લી.ના જીતેલા તમામ ઉમેદવારો સાથે મુલાકાત કરી શુભાકામના પાઠવી અને ખેડૂતોના હિતમાં ર્નિણય લેવા જણાવ્યું હતું. ખેડા જિલ્લા સહકારી બેંક લી. ની ચૂંટણીમાં ૧૭ બેઠક પૈકી ૯ બેઠક પર ભાજપ ઉમેદવારોની જીત અને ૪ બેઠકો પર ઉમેદવારની બિનહરીફ જીત સાથે કુલ ૧૩ બેઠક ભાજપ પ્રેરિત પેનલે જીત મેળવી ઇતિહાસ રચ્યો છે. જયારે પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ તમામ કાર્યકરોને પક્ષમાં આવકારતા જણાવ્યું હતું કે, જાગૃતિબેનનું કચ્છ અને રાપર વિસ્તારના વિકાસમાં મોટુ યોગદાન છે અને પક્ષમાં તેમનું સ્વાગત છે. જાગૃતિબેન જેવા મહિલા આગેવાન રાપર જેવા વિસ્તારમાં પણ જિલ્લા પંચાયતમાં ચૂંટાઇને આવ્યા હોય ત્યારે તેઓ ભાજપમાં જાેડાતા હોય ત્યારે ચોક્કસ ભાજપ સંગઠનને પણ તેમની શક્તિનો લાભ મળશે. વાઘેલાએ જણાવ્યું હતું કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં પાર્ટી મજબૂત થઇ રહી છે. અમારી પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે.