ગાંધીનગર

કોરોનાની ગંભીર સ્થિતિમાં એલડી એન્જિનિયરિંગ કેમ્પસમાં હોસ્ટેલની નવનિર્મિત બિલ્ડિંગને સુવિધાથી સુસજ્જ કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવે તેની માંગણી કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કરી છે.

ગુજરાતમાં કોરોનાની મહામારી રોજે રોજ પોતાનું સંક્રમણ વધારી રહ્યી છે. ત્યારે રાજ્યભરમાં કોરોનાના કેસોમાં અને મૃત્યુઆંક દરરોજ નવા વિક્રમો સર્જી રહ્યા છે. આ સંજાેગોમાં અમદાવાદ શહેરમાં પણ વધતા જતાં કોરોનાના કેસોના કારણે કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા કે બેડ મળતાં નથી. એટલું જ નહી કેટલાક ક્રિટિકલ સંજાેગોમાં દર્દીઓને યોગ્ય સારવાર કે ઓક્સિજન સાથેના બેડ મળી શકતા નથી. જેના કેટલાક સંજાેગોમાં કેટલાક પરિવારો પોતાના સ્વજનને ગુમાવી રહ્યા છે. આ સ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવીને એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસમાં નવનિર્મિત હોસ્ટેલના બિલ્ડિંગમાં કોવિડ કેસ સેન્ટર શરુ કરવા માટે રજૂઆત કરી છે.

પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ પત્રમાં જણાવ્યું છે કે, એલ.ડી. એન્જિનિયરિંગ કેમ્પસમાં હોસ્ટેલ માટે બનાવવામાં આવેલી નવનિર્મિત બિલ્ડિંગ હજુ ખાલી પડી છે. આ બિલ્ડિંગમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. જેના કારણે આ બિલ્ડિંગમાં કોવિડ સેન્ટરના ધ્યાનમાં લઈને જરૂરી તબીબી સાધનો- ઓક્સિજનના સિલિન્ડર સહિતના સાધનોના જ ખર્ચમાં તમામ સુવિધા યુક્ત ૫૦૦ બેડની વ્યવસ્થા થઈ શકે તેમ છે.

ડૉ. દોશીએ વધુમાં જણાવ્યું છે કે, પ્રવર્તમાન સમયમાં દર્દીઓના પરિવારજનો બેડ માટે ચિંતા કરી રહ્યા છે અને રાજ્ય સરકાર ખુદ હોસ્પિટલમાં બેડની અછત હોવાનું સ્વિકારી રહી છે, ત્યારે આ સંજાેગોમાં સરકાર દ્વારા આ મામલે તાકીદે વિચારણા કરીને સત્વરે પગલાં ભરવામાં આવે તેવી અપેક્ષા છે તેમ પણ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ જણાવ્યું હતું.