/
ઊંડવા બોર્ડર પર ચોકીના અભાવે પોલીસકર્મી તંબુમાં રહેવા મજબૂર

અરવલ્લી : સમગ્ર રાજ્યમાં ચેકપોસ્ટ તો દૂર કરવામાં આવી છે, પરંતુ આંતરરાજ્ય સરહદ પર જે તે સ્થાનિક પોલીસ રાજ્યના સીમાડાઓ પર દિવસ-રાત ફરજ બજાવી રહી છે. ગુજરાતમાં એક બાજુ પોલીસ ચોકીનું અધધ મહિને ૫૦ હજાર રૂપિયા જેટલું ભાડું ચુકવવામાં આવે છે. બીજી બાજુ કેટલાક પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીઓ સમારકામ માંગી રહ્યા છે.રાજસ્થાન રાજ્યને અડીને આવેલી અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સરહદ મેઘરજના ઉંડવા બોર્ડર પર ચોકીના અભાવે પોલીસ કર્મીઓ વરસતા વરસાદમાં જીવન જોખમે તંબુ બાંધી ફરજ બજાવી રહ્યા છે. પોલીસકર્મીઓ ફરજ પર પડતી મુશ્કેલીઓ અંગે શિસ્તભંગના પગલાની બીકે રજુઆત કરતા પણ ખચકાઈ રહ્યા છે.  

મેઘરજ તાલુકાના ઉન્ડવા બોર્ડર પર ચેકપોસ્ટની ઑફિસ રૂમ ન હોવાથી બોર્ડર ઉપર તૈનાત સુરક્ષા કર્મીઓ તંબુ બાંધીને રહે છે. જેને લઈને ઉન્ડવા ચેકપોસ્ટ ઉપર ઓફિસ રૂમ બનાવવા માંગ ઉઠી છે. મેઘરજ તાલુકો રાજસ્થાન સરહદન અડીને આવેલો તાલુકો છે. મેઘરજથી પંદર કિલોમીટરે ઉન્ડવા ગામથી રાજસ્થાનની સરહદ લાગે છે. જેમાં વર્ષો પહેલા ઉન્ડવા બોર્ડર ઉપર ચેકપોસ્ટનું જૂનું છાપરું હતું. પરંતુ તે છાપરૂ હાલ અસ્તિત્વમાં જ નથી. જેથી બોર્ડર ઉપર હાલ ફરજ પર તૈનાત સુરક્ષા કર્મીઓને ચોમાસુ, શિયાળો અને ઉનાળામાં આમ ત્રણે ઋતુમાં વરસાદ અને ઠંડી તાપ સહન કરવો પડે છે. રાતદિવસ રાજસ્થાનથી ગુજરાત અને ગુજરાતમાંથી રાજસ્થાનમાં મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. જે તમામ વાહનોના બોર્ડર ઉપર સુરક્ષા કર્મીઓ દ્વારા ચેકીંગ થાય છે. થોડા વિશ્રામ કે આરામ માટે કર્મીઓને સ્થળ ઉપર ઓફિસ રૂમ ન હોવાથી રોડ સાઇડે તાડપત્રીથી તંબુ બનાવી તંબુમાં કર્મીઓ રહે છે. ચોમાસા દરમ્યાન તંબુમાં અને તંબુની આજુબાજુ વરસાદી પાણી ભરાતા સુરક્ષા કર્મીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેથી તાલુકાની ઉન્ડવા બોર્ડર પર પાકી ઓફિસ સુરક્ષાકર્મીઓ માટે બનાવવામાં આવે તો ફરજ પરના સુરક્ષા કર્મીઓની મુશ્કેલી દૂર થાય તેમ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution