/
લલિત પરમારે ગુમ થતા અગાઉ મોબાઈલ ડેટા ડિલિટ કર્યા 

વડોદરા

સિંધરોટ ચોકી પાસે પોતાની સ્વીફ્ટ કાર મુકીને ચાલતા રવાના થયા બાદ ભેદી સંજાેગોમાં ગુમ થયેલો બાજવાનો યુવાન સિવિલ કોન્ટ્રાક્ટર લલિત પરમારના ચાર દિવસ બાદ પણ કોઈ સગડ નહી મળતા પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફેલાયુ છે. આ બનાવની તપાસ કરતી તાલુકા પોલીસે લલિતે ગુમ થતા અગાઉ કારમાં છોડેલો તેનો મોબાઈલ ફોન કબજે કરી તેની પણ ચકાસણી કરી હતી પરંતું લલિતે ગુમ થતા અગાઉ મોબાઈલમાંથી પણ સોશ્યલ મિડિયાને લગતા બધા ડેટા ડિલીટ કરી નાખ્યાની વિગતો સપાટી પર આવતા લલિત ખરેખર ગુમ થયો છે કે પછી કોઈ કારણસર જાણીજાેઈને કોઈ જગ્યાએ સંતાયેલો છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

બાજવા વિસ્તારના પરબીડિયા ફળિયામાં રહેતો ૩૮ વર્ષીય લલિત જગન્નાથ પરમાર તેના ભાગીદાર ભદ્રેશ સાથે મકાન બાંધકામ અને લેબર સપ્લાયનો વ્યવસાય કરે છે. ગત ૧૮મી તારીખના સાંજે લલિત કામ માટે બહાર જઉ છુ તેમ કહીને તેની સફેદ રંગની સ્વીફ્ટ કાર લઈને નીકળ્યો હતો. સાંજે સાડા પાંચના અરસામાં તે સિંધરોટ રોડ પર આવેલી પોલીસ ચોકી પાસે તેની કાર પાર્ક કરીને કારમાંથી ચાલતો રવાના થયો હતો અને ત્યારબાદ ભેદી સંજાેગોમાં ગુમ થયો હતો. આ બનાવની તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે હાલમાં લલિતના ગુમ થવાની અરજીના આધારે તપાસ શરૂ કરી છે.

આ બનાવની તપાસ કરતા એએસઆઈ સુરેખાબેને જણાવ્યું હતું કે લલિતની કાર હાલમાં પણ તેણે જ્યાં પાર્ક કરી હતી ત્યાં જ છે પરંતું કારમાં તપાસ કરતા તેનો મોબાઈલ ફોન મળ્યો હતો. ફોનમાં તપાસ કરતા તેણે તેના ભાઈ ધર્મેશ સાથે છેલ્લે વાત કરી હોવાની વિગતો મળી છે. જાેકે તેને કોઈ લેણદાર પૈસા માટે ઉઘરાણી કરી ધમકી આપતો હતો તે તેના કોઈ લગ્નેતર સંબંધો છે કે તેને કોઈ ડિપ્રેશન હતું તેની તપાસ માટે તેના ફોનની ચકાસણી કરાઈ હતી પરંતું લલિતે ગુમ થતા અગાઉ તેના ફોનમાં વોટ્‌સઅપ, ફેસબુક સહિતના સોશ્યલ મિડિયાને લગતા ડેટા ડિલીટ કરી નાખ્યા હોઈ તે સંદર્ભે કોઈ વિગતો મળી શકી નથી.

લલિતે કોની કોની સાથે કેટલીવાર વાતો કરી છે તેની વિગતવાર માહિતી માટે તેના મોબાઈલના કોલ ડિટેઈલ્ટની વિગતો સર્વિસ પ્રોવાઈડર કંપની પાસે મંગાવી છે. જાેકે લલિતે પોલીસ ચોકીની સામે સલામત રહે તે રીતે કારને પાર્ક કરી છે અને મોબાઈલ ફોનના આધારે તેનું પગેરુ ના મળે તે માટે મોબાઈલ પણ કારમાં છોડી દીધો હોઈ તે જાણીજાેઈને કોઈ જગ્યાએ સંતાઈને તેને શોધવા માટે ચાલતી કામગીરી પર નજર રાખી રહ્યો હોય તેવી પણ પોલીસને શંકા છે.

લલિતે ઘનશ્યામ પાસે ગુગલ પેથી નાણા ટ્રાન્સફર કરાવ્યા હતા

લલિતે તેના મિત્ર ઘનશ્યામ જગદીશભાઈ પટેલ મારફત ૧૬થઈ ૧૮મી તારીખના સમયગાળામાં અલગ અલગ સમયે ગુગલ પેના માધ્યમથી હરેશ કોર્પોરેશનના એકાઉન્ટમાં તબક્કાવાર ૬૦ હજાર ટ્રાન્સફર કરાવ્યાની વિગતો મળતા પોલીસે ઘનશ્યામ પટેલની પુછપરછ કરી હતી. જાેકે તેણે પોલીસને જણાવ્યું હતું કે લલિત તેનો મિત્ર છે અને તેના અકાઉન્ટમાં પેમેન્ટ ન હોઈ તે મારી પાસે નાણાં ટ્રાન્સફર કરાવતો હતો અને મે જેટલા રૂપિયા ટ્રાન્સફર કર્યા હોય તે સાંજે રોકડા આપી દેતો હતો. લલિતે હરેશ કોર્પોરેશનના ખાતામાં કેમ નાણાં ટ્રાન્સફર કરાવ્યા તેની વિગતો મેળવવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

લલિતનો ભાઈ ધર્મેશ પણ અઠવાડિયા સુધી ભેદી રીતે ભૂતકાળમાં ગુમ થયેલો

લલિતના પિતા જગન્નાથ તેમજ તેના મોટાભાઈ ધર્મેશ પણ છુટ્ટક કન્સ્ટ્રકશન કામનો વ્યવસાય કરે છે .ધર્મેશ પણ તાજેતરમાં ભેદી સંજાેગોામાં ગુમ થતાં તેની જવાહરનગર પોલીસ મથકમાં જાણ કરાઈ હતી. જાેકે છ દિવસ બાદ તે ઘરે પાછો ફર્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તેણે લેણદારને ચેક આપ્યો છે પરંતું બેંક બેલેન્સ નથી માટે લેણદાર ઉઘરાણી કરવા આવશે તેવી બીક હોઈ તેના કારણે ઘરેથી જતો રહ્યો હતો. લલિત પણ મોટાભાઈની જેમ લેણદારોની બીકના કારણે તો અજ્ઞાત સ્થળે ગયો નથી ને ? તેની પણ પોલીસ તપાસ શરૂ કરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution