ખેરાલુ : ખેરાલુ તાલુકાના લુણવા ત્રણ રસ્તા પાસે ગાડી અને બાઇક વચ્ચે થયેલા અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ગાડીના ચાલકોને મારમારી ગાડી સળગાવી દેતા અજંપાભરી પરિસ્થિતિ સર્જાઇ હતી.બનાવ અંગે ખેરાલુ પોલીસ મથકે ૪૦થી ૫૦ માણસોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.કરબટીયા ગામના પટેલ તરંગભાઈ તથા તેમના મિત્ર જીમ પટેલ સિધ્ધપુરથી મોડાસા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન લુણવા ત્રણ રસ્તા પાસે તેમની ગાડીને બાઈકચાલક જુનેદખાન સાથે અથડાતા બાઈકચાલક નીચે પટકાયો હતો. જેનું ઉપરાણું લઇને આજુબાજુથી ૪૦થી ૫૦ માણસોનું ટોળું દોડી આવી તરંગભાઈ અને જીમને માર મારતા બંને લુણવા બસ સ્ટેન્ડ પાસે આવેલી ઓરડીમાં સંતાઈ ગયા હતા. ટોળાએ ઓરડી પાછળની બારી તોડી અંદર જઈ બંનેને માર માર્યો હતો.તેમની ગાડી સળગાવી દેતા અજંપાભરી પરિસ્થિતિ સર્જાઇ હતી.બનાવને પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી મામલો શાંત પાડયો હતો તરુણભાઈની ફરિયાદને આધારે સાત સામે ફરિયાદ નોંધાવી છે.