આણંદ, તા.૩૧ 

આણંદ જિલ્લામાં આજે વધુ ૧૧ પોઝિટિવ કેસો આવતાં કોરોનાના કેસો અટકવાનું નામ લેતાં નથી. આજે પોઝિટિવ આવેલાં ૧૧ કેસમાં ખંભાત અને તારાપુર તાલુકાના રિંઝામાં બે-બે અને બોરીયાવી, ગાડા, વઘાસી, પંડોળી, નગરા, પેટલાદ અને કુંજરાવમાં એક-એક નોંધાયા છે. આણંદ જિલ્લામાં હવે રોજેરોજ ડબલ ફિગરમાં પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. પરિણામે તહેવારોની મોસમ વચ્ચે લોકોમાં ચિંતાના વાદળો ઘેરાયાં છે.

અનલોક-૧ અને અનલોક-૨માં કોરોનાનું સંક્રમણ જબરદસ્ત રીતે વધી રહ્યું છે ત્યારે આવતીકાલથી અનલોક-૩ શરૂ થઈ રહ્યું છે ત્યારે એવું લાગી રહ્યું છે કે, આગામી દિવસો હજુ વધુ કપરાં જાેવાં મળશે.

સૂત્રોના જણાવ્યાં મુજબ, ખંભાતના દૂધારવાડમાં રહેતાં ૮૪ વર્ષના વૃદ્ધ, ખંભાતની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતાં ૫૩ વર્ષના મહિલા, પેટલાદ ખાતે રહેતાં ૩૦ વર્ષના મહિલા, પેટલાદ તાલુકાના પંડોળી ગામના ઓઢી ચકલા ખાતે રહેતાં ૮૬ વર્ષના વૃદ્ધ, તારાપુર તાલુકાના રિંઝા ગામે રહેતાં ૨૦ અને એક ૨૧ વર્ષના યુવતી, બોરીયાવી ગામની સેન્ટ્રલ બેંક પાસે રહેતાં ૬૭ વર્ષના વૃદ્ધાં, આણંદ નજીક વઘાસી ગામની પ્રાથમિક સ્કૂલ પાછળ રહેતાં ૬૫ વર્ષના વૃદ્ધાં, આણંદ તાલુકાના કુંજરાવ પીએચસીમાં કામ કરતાં ૫૮ વર્ષના મહિલા, આણંદ તાલુકાના ગાડા ગામે પ્રજાપતિ નિવાસ ખાતે રહેતાં ૫૮ વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ હવે પગપેસારો કર્યો છે. ગ્રામ્યમાં કોરોના સ્પ્રેડ થઈ રહ્યો હોવાથી વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય છે. આજે આવેલાં ૧૧ કેસમાં ૮ તો ગ્રામ્ય વિસ્તારમાં જાેવાં મળ્યાં છે.

આજે નવાં આવેલાં ૧૧ કેસ બાદ આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટુકડીઓ દ્વારા વિવિધ વિસ્તારમાં સેનિટાઇઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં કેસ નોંધાયા હતાં એ વિસ્તારને સીલ કરી કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની પ્રોસેસ હાથ ધરાઈ હતી. દર્દીઓના નજીકના સંપર્કો અને પરિવારજનોને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યાં છે. જરૂર જણાશે તેનાં ટેસ્ટ પણ કરવામાં આવશે.