વડોદરા, તા.૧૫

રાષ્ટ્રીયકૃત બેન્કોમાં રહેલા પ્રજાના નાણાં લૉન રૂપે મેળવી રૂા.૩ હજાર કરોડનું ફુલેકું ફેરવવા બદલ જેલવાસ ભોગવી ચૂકેલી ભટનાગર ત્રિપુટી સામે સીબીઆઈએ પુનઃ તપાસ શરૂ કરી છે. શહેરના પેજ થ્રી કલ્ચરના જાણીતા ચહેરા અમિત ભટનાગર, સુમિત ભટનાગર અને પિતા સુરેશ ભટનાગરની ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રકર દ્વારા બેન્કો સાથે રૂા.૨૬૫૪ કરોડનું ફ્રોડ કરવા બદલ ફરિયાદ થઈ હતી. ત્યારે ભટનાગર ત્રિપુટી સાથે સંકળાયેલી મેફેર લિઝર્સ પ્રા.લિ. દ્વારા બેન્ક ઓફ ઈન્ડિયામાંથી લીધેલી કરોડો રૂપિયાની લૉન મામલે તપાસ કરી સીબીઆઈએ નિવેદનો લીધા હતા. ત્યારે હવે ભટનાગર પરિવારની મહિલાઓ પણ હવે કાયદાના સકંજામાં આવે તેવી શક્યતાઓ ઊભી થઈ છે.

ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ના અમિત ભટનાગર અને સુમિત ભટનાગરનું રૂા.૨૬૫૪ કરોડનું બેંકલોન કૌભાંડ સામે આવ્યું હતું. હાલની સ્થિતિએ કંપની સામે ફડચાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે હવે ભટનાગરબંધુઓ સાથે સંકળાયેલી મેફેર લિઝર્સ પ્રા.લિ. સામે બેંક ઓફ ઇન્ડિયાની કરોડો રૂપિયાની બાકી લૉન મામલે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશની-સીબીઆઈ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ગત અઠવાડિયે સીબીઆઈના અધિકારીઓ દ્વારા આ કૌભાંડમાં સંડોવાયેલી વ્યક્તિઓના નિવેદન લેવામાં આવ્યા હતા. ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ની અનેક પેટા કંપનીઓ કાર્યરત હતી. તેમાંથી એક કંપની મેફેર લિઝર્સ પ્રાઇવેટ લિમિટેડ હતી. કંપની દ્વારા લક્ઝુરિયસ સેગમેન્ટમાં હોટલ શરૂ કરવાનો પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. મેફેર લિઝર્લ પ્રા.લિ. દ્વારા પ્રથમ દેશની જાણીતી હોટલ ચેઇન સાથે જાેડાઇને લક્ઝુરિયસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. મેફેર લિઝર્સ પ્રા.લિ.ના સંચાલકો દ્વારા પ્રોજેક્ટ માટે બેંક ઓફ ઇન્ડિયા પાસેથી રૂા.૬૪ કરોડની લૉન લેવામાં આવી હતી. ત્યાર બાદ દેશની જાણીતી હોટલ ચેઇન સાથેનો પ્રોજેક્ટ પડતો મુકીને મેફેર લિઝર્સ પ્રા.લિ.ના સંચાલકો દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ હોટલ મેરીયોટ સાથે મળીને લક્ઝુરિયસ સેગમેન્ટમાં હોટલનો પ્રોજેક્ટ શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. દરમિયાન મુખ્ય કંપની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.નું બેંક લૉન કૌભાંડ સામે આવ્યું હતું.

તપાસ અંગે મળતી આધારભૂત માહિતી પ્રમાણે મેફેર લિઝર્સ પ્રા.લિ. મામલે હવે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન - સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ગત અઠવાડિયે સીબીઆઇના અધિકારીઓ મેફેર લિઝર્સ પ્રા.લિ. દ્વારા આચરવામાં આવેલા કૌભાંડની તપાસ અંગે ડાયરેક્ટર સુમિત ભટનાગર સહિત અન્ય સંકળાયેલી મહત્ત્વની વ્યક્તિઓના નિવેદન લીધા હતા.મેફેર લિઝર્સ પ્રા.લિ. સાથે એક સમયે સુમિત ભટનાગર, સંગ્રામ બારોટ, નમોનારાયણ ભટનાગર, માધુરીલતા સુરેશ ભટનાગર, સુમિત ભટનાગરના પત્ની તથા રાજેશ નિમકર સહિતના લોકો સંકળાયેલા હતા. રાજેશને કન્સ્ટ્રક્શનનો અનુભવ હોવાને કારણે તેને પ્રોજેક્ટમાં સમાવવામાં આવ્યો હતો અને તેને ઇક્વિટી આપવાનું જે-તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું. જાે કે, રાજેશે સમય જતાં કંપનીમાંથી રિઝાઇન કરીને છેડો ફાડી દીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મેફેર લિઝર્સ પ્રા.લિ. કંપની સાથે અગાઉ સંકળાયેલા પ્રોફેશનલ્સ, વેલ્યુઅર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી સહિતના લોકોની પણ બેંક લૉન કૌભાંડ મામલે પૂછપરછ થઇ શકે છે તથા કંપનીના જૂના રેકોર્ડની પણ ચકાસણી કરવામાં આવી શકે છે.