મહુધા : મહુધા તાલુકા પંચાયતની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવતાં સમર્થકો ગેલમાં આવી ગયાં છે. ચૂંટણીના ઉન્માદમાં કોરોના ગાઇડલાઇન્સને કોરોણે મૂકી છડેચોક ભંગ કરતાં જાેવાં મળ્યાં હતાં. નવાઈની વાત તો એ બની હતી કે, મહુધાના અધિકારી વિનંતી કરતાં રહ્યાં અને ટોળું ઓફિસમાં ઘૂસી ગયું હતું!

આજે મહુધા તાલુકા ભાજપના ઉમેદવારોના નામાંકન ભરવાની પ્રક્રિયા દરમિયાન મહુધા ભાજપના કાર્યકરો દ્વારા કોરોના ગાઇડલાઇન્સનો ભંગ કરી સરકારી પ્રક્રિયામાં પણ અડચણો ઊભી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર ભાજપની હોવાથી જાણે વહીવટી તંત્રની પરવા જ ન હોય તેમ નામાંકન ભરવા માટે સરઘસ કાઢીને ઢોલીઓને પણ પાંચસો રૂપિયાની નોટોની લ્હાણી કરતાં જાેવાં મળ્યાં હતાં. મહુધા મામલતદારની કચેરીમાં ટોળાશાહી દેખાડતાં ભાજપ સમર્થક અને ઉમેદવારો સહિત નેતાઓ પણ ઘૂસી આવ્યાં હતાં. મામલતદાર વિનંતી કરતાં રહ્યાં પણ અતિઉત્સાહી કાર્યકરો બહાર નીકળવા તૈયાર નોહતા! આખરે મહુધાના ભાજપ સંગઠનના આગેવાનોએ લોકોને બહાર કાઢવા પરસેવો પાડ્યો હતો. 

મહુધા તાલુકામાં આજે દિવસ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ પક્ષના મળીને કુલ ૨૧ ફોર્મ ભરવામાં આવ્યા હતાં, જેમાં કોંગ્રેસ તરફથી માત્ર ત્રણ ફોર્મ ભરવામાં આવ્યાં હતાં, જ્યારે ભાજપ તરફથી પોતાના ડમી ઉમેદવાર સાથે ૧૮ ફોર્મ ભરીમાં આવ્યાં હતાં. મહુધા તાલુકા પંચાયત ખાતે ૧૪ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ૬ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યાં હતાં. આમ કુલ ૪૧ ફોર્મ ભરવામાં આવ્યાં હતાં.