આજ (૧લી નવેમ્બર)થી વડોદરામાં નવી કેટલ પોલિસીનો અમલ થઈ ગયો છે. આમ છતાં કવિ કલાપીની પંક્તિ ‘જ્યાં જ્યાં નજર મારી..’ માફક સંસ્કારી નગરીના માર્ગો પર રખડતાં ઢોર અત્ર...તત્ર...સર્વત્ર જાેવા મળે છે! ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પાલિકાને ગજા બહારના વેરા ભરનાર નિર્દોષ પ્રજાને ઢીંકે ચડાવતાં રખડતાં ઢોરના આ ત્રાસમાંથી મુક્તિ ક્યારે મળશે? તંત્રના અધિકારીઓની રખડતાં ઢોર સામે આંખ આડા કાન કરવાની નીતિ રીતિ ક્યારે બદલાશે? અલબત્ત નવાઈની વાત તો એ છે કે પાલિકાની ઢોર પાર્ટી દ્વારા ગઈકાલ રાતથી આજ સુધીમાં કુલ ૩૫ જેટલા ઢોર પકડીને ઢોરવાડામાં જમા કરવામાં આવ્યા છે. ઉપરાંત ૧૨૫ ઢોરનું ટેગિંગ કરવામાં આવ્યું છે. કુલ ૧૩ ઢોરવાડાને નોટિસ આપી છે. તેમ છતાં આજે સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લેઆમ રખડતા ઢોરો નજરે પડતા હતા.