વડોદરા, આગામી તા.૩૧ ડિસેમ્બર (થર્ટી ફર્સ્ટ)ની ઉજવણી માટે શહેરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઠલવાયો હોવાની માહિતીને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આજે શહેરના પાંચ જુદા જુદા સ્થળોએ દરોડા પાડયા હતા અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જ્યારે પીસીબીએ પણ એક સ્થળે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ દરોડાને પગલે બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

કોરોનાને કારણે હોટેલ, રિસોર્ટ અને ફાર્મહાઉસોમાં યોજાતી ડાન્સ એન્ડ પાર્ટીઓ ઉપર પ્રતિબંધ લાગ્યો છે ત્યારે ઘરે બેસીને વિદાય થઈ રહેલા વર્ષ અને નવા વર્ષને આવકારવા માટે શોખીનોએ અત્યારથી જ વિદેશી દારૂની ખરીદી શરૂ કરી દીધી હતી. એટલા માટે બૂટલેગરોએ પણ મોટો જથ્થો ઠાલવી દીધો હોવાની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. જાે કે, છેલ્લા કેટલાય સમયથી શહેરમાં શોખીનોને વિદેશી દારૂ આસાનીથી મળી રહેતો હતો. ખાસ કરીને દિવાળીના દિવસોમાં તો રીતસરની રેલમછેલ થઈ હતી. એવી જ રીતે આગામી તા.૩૧મી ડિસેમ્બરની ઉજવણી માટે શોખીનોને સહેલાઈથી વિદેશી દરૂનો જથ્થો મળી રહે તે માટે બૂટલેગરો સક્રિય બન્યા હતા. જેની માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ પાણીગેટ, ગોરવા અને વારસિયા ખાતે દરોડાઓ પાડી દેશી-વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાણીગેટમાં રવિ ધોબી, ગોરવામાં દશામા માતાના મંદિર પાસે ભાવેશ જે ગોરવા ડી-સ્ટાફના વહીવટદારની ભાગીદારીમાં ધંધો ચલાવે છે, એના ત્યાં દરોડા પાડી વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. જ્યારે વારસિયામાં ફરીથી એક્ટિવ થયેલા અને શહેર પોલીસની આબરુનું લીલામ કરનાર કુખ્યાત સુરજ ચુઈના દેશી દારૂના ધંધા ઉપર દરોડા પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ દરોડાઓ અને જપ્ત કરાયેલા જથ્થાની મોડી રાત સુધી ગણતરી ચાલુ હોવાથી ચોક્કસ આંકડાઓ મળી શક્યા નથી.