આણંદ, તા.૩૦ 

ગંભીરાથી બોરસદ સુધીના માર્ગનું કામ હાલ સંપૂર્ણપણે પૂર્ણ થવાના આરે છે. આ માર્ગ પર આવેલાં કિંખલોડ તેમજ દેવાપુરા પાસે ગળનાળા પર કરેલાં કામકાજમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોય તેમ દેખાઈ રહ્યું છે. કરોડો રૂપિયા ખર્ચીની બનાવાયેલાં ગંભીરાથી બોરસદ સુધીના માર્ગનું કામ વરસાદના ચાર છાંટામાં ધોવાઈ ગયું છે!

આ માર્ગ પર અવાર નવાર અકસ્માતના કારણે માર્ગને બંને બાજુ કરોડો રૂપિયાના ખર્ચે પાંચ પાંચ ફૂટ પહોળો કરી માર્ગનું નવીનીકરણ કામ કરવામાં આવ્યું છે. હજુ લોકો તેને વાપરતાં થાય એ પહેલાં વરસાદના ચાર છાંટા પડ્યાં ત્યાં જ રોડ પર ભૂવા પડી જતાં માર્ગ પર હલકી ગુણવત્તાનું કામ કાજ થયું હોય તેમ દેખાઈ રહ્યું છે. ઉપરાંત આ માર્ગ પર આવેલાં સ્પીડબ્રેકર પણ અણધાર્યા મૂકી દેવામાં આવ્યા હોવાથી રાહદારીઓ મુશ્કેલીમાં મુકાતાં જાેવાં મળ્યાં છે. રાત્રી દરમિયાન આ સ્પીડબ્રેકરના કારણે અકસ્માતનો ભય રહ્યાં કરે છે.

સૂત્રોનું કહેવું છે કે, ગંભીરાથી બોરસદ સુધીના માર્ગનું કામકાજ હજુ ૧૦ મહિના પહેલાં જ શરૂ થયું હતું. આ માર્ગનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થવાના આરે છે. આ માર્ગ પર કિંખલોડ ચોકડી પાસે ધીમી ગતિએ થઈ રહેલાં ગરનાળા પાસે થોડાં વરસાદમાં જ મસમોટા ભૂવા પડી ગયાં છે. માર્ગ પર દેવાપુરા પાસે પણ આ જ હાલત જાેવાં મળે છે, જેના કારણ ભારે વાહનોનો ટ્રાફિકનો ઘસારો પણ થાય છે. માર્ગ બનીને પૂરો થાય એ પહેલાં જ ભૂવાઓના કારણે સ્થાનિક લોકોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગણગણાટ શરૂ થયો છે.