ભરૂચ. ભારત બંધના પગલે મહમદપુરા એપીએમસી સજ્જડ બંધ રહી હતી જ્યારે વડદલાની નેશનલ હાઇવે-૪૮ પર આવેલ એપીએમસી કાર્યરત રહી હતી. જેમાં ખેડૂતો અને શાકભાજી વિતરકોએ રાબેતામુજબ ખરીદ વેચાણ ચાલુ રાખ્યું હતું. બે એપીએમસીના એક જ પ્રમુખ હોવા છતાં મહમદપુરા એપીએમસી બંધ અને વડદલા એપીએમસી કાર્યરત રહી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોટી બજાર, ફુરજા મહમદપુરા સહિતના વિસ્તારોમાં માર્કેટો બંધ રહી હતી. જ્યારે પૂર્વ વિસ્તારમાં તુલસીધામ શાકમાર્કેટ, રામવાટિક, સ્ટેશન રોડ સહિતના મુખ્યમાર્ગો પર આવેલ દુકાનો ખુલ્લી રહી હતી. વહેલી સવારે જ ભારત બંધને નિષ્ક્રિય કરવા પોલીસે રાજેન્દ્રસિંહ રણા, પરિમલસિંહ રણા, તેજપ્રિત શોખી, નકુલ મિસ્ત્રી, રાધે પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનો અને યાકુબ ગુરજી, ખેડૂત સંગઠનોના આગેવાનોને પોલીસે નજર કેદ કર્યા હતા. બીજી તરફ વહેલી સવારે નવેઠા પાસે દહેજ રોડ ઉપર ટ્યુબ ટાયર સળગાવાયા હતા જેથી રસ્તા ઉપર વાહનો થંભી ગયા હતા. જેના પરિણામે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.  

ડભોઇમાં બજારો રાબેતા મુજબ ચાલુ રહ્યાં

ડભોઇ. ડભોઇ નગર ના બજારો સંપૂર્ણ ખુલ્લા રહ્યા હતા જ્યારે ડભોઇ કોંગ્રેસ સમિતિ ના તાલુકા પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ અને શહેર પ્રમુખ ડો.જીમીત ઠાકરની ડભોઇ પી.આઈ. જે.એમ.વાઘેલા દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ડભોઇ નગર જાણો એ આ બંધ ને સમર્થન ન આપ્યું હોય ડભોઇ નગર ના બજારો ખુલ્લા રહ્યા હતા.