વડોદરા, તા.૪ 

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી શહેર પોલીસ દ્વારા સવાચેતીનાં પગલાં ભરવા માટે નાગરિકોને અપીલ કરી છે એ ઉપરાંત નકલી પોલીસના નામે થતી ઠગાઈને રોકવા માટે પોલીસ કર્મચારીઓ માટે ગાઈડલાઈન બહાર પાડી પોલીસ યુનિફોર્મમાં જ ફરજ ઉપર આવવાનો આદેશ આપ્યો છે. પોલીસની ઓળખ ખાખી પહેરેલી વ્યક્તિ દેખાય એટલે પોલીસ તેવું આપણે નાનપણથી જ શીખવાડવામાં આવ્યું છે. પરંતુ પોલીસની મહત્ત્વની શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓ કાયમ સાધારણ એટલે કે સિવિલ ડ્રેસમાં ફરજ બજાવતા હોય છે તેનું પાછળનું કારણ એ છે કે મહત્ત્વની શાખામાં ફરજ બજાવતી વ્યક્તિઓ ગુપ્તચર એજન્સીઓની જેમ કામ કરતી હોય છે. ગુનેગારો તેમના ચહેરાથી વાકેફ હોય છે પણ દરેક નહીં. જેથી ગુનાખોરી અટકાવવા માટે અને ગુનેગારોને પકડવામાં પોલીસની મહત્ત્વની બ્રાન્ચની ભૂમિકા ખૂબ ખાસ હોવાનું મનાય છે. મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે બહાર નીકળતા હોય છે. તહેવારોના કારણે લોકો સોનાના ઘરેણાં પહેરી પણ ફરતા જાેવા મળે છે. જ્યારે દુકાનમાં પણ ખરીદી કરવા આવતા લોકોનો મોટો જમાવડો જાેવા મળે છે તેવામાં કેટલાક ગુનેગારો પોતાનો હેતુ પાર પાડવા માટે પોલીસની ઓળખ આપી લોકોને છેતરતા હોવાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. જાે કે, આ થવાનું મૂળ કારણ એ છે કે પોલીસની મહત્ત્વની ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી અને પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ અને સર્વેલન્સના કર્મચારીઓ કાયમ સાદા કપડાંમાં ફરજ બજાવતા હોય છે. તેવામાં દિવાળીના તહેવારોમાં સાદા કપડાં પહેરીને આવતા ઠગબાજાે પોલીસની ઓળખ આપી લૂંટ, ચોરી અને છેતરપિંડી કરવા જેવા કિસ્સાઓ અટકાવવા માટે શહેર પોલીસે એક નવો અભિગમ અપનાવ્યો છે જેમાં શહેર પોલીસની મહત્ત્વની ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી અને પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ અને સર્વેલન્સના કર્મચારીઓને દિવાળીના તહેવારોના સમયમાં યુનિફોર્મ પહેરીને જ ફરજ બજાવતી જાેવા મળશે. આમ પોલીસની દરેક જગ્યા હાજરી પણ જાેવા મળશે તેમજ પોલીસના નામે બનતા ગુનાઓ પણ અટકાવી શકાશે.